સંબંધોની બારાક્ષરી - 40

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૪૦)

અસલી મઝા તો સબકે સાથ આતા હૈ

તમારે ફાઈવસ્ટાર હોટલમાં જમવા જવાનું હોય, કે શોપિંગ કરવા જવાનું હોય, કે ફિલ્મ જોવા જવાનું હોય, કે કાશ્મીરની ટુર પર જવાનું હોય, કે પછી સિંગાપુરની સફરે જવાનું હોય, આ બધાં માટે દરેક વ્યક્તિ હંમેશાં કંપની શોધતી હોયછે. ઇવન બેસણામાં પણ લોકો એકલાં નથી જતાં. નૈનીતાલ કે કુલુમનાલી ફરવા માટે એકલાં જવાનું હોય તો કેટલાં લોકો જશે ? મોટાભાગે તો એકલાં ફરવા જવાનું કોઈને નહિ ગમે, કેમકે બધાં સાથે હોય ત્યારે જે મઝા આવેછે તે એકલાં એકલાં આવતી નથી.

તમે એવાં કેટલાંક એકલશુરા વ્યક્તિઓને ઓળખતાં હશો કે જેઓ ગમે ત્યાં જવું હોય, એકલાંજ જવાનું પસંદ કરશે. કેટલાંક એવાં પણ લોકો છે, કે જેઓ પોતાનાં ઘરની વ્યક્તિઓ સાથેજ બહાર જવાનું પસંદ કરતાં હોયછે. તમે આવાં એકલશુરા વ્યક્તિઓને નજીકથી જાણતા હશો તો ખ્યાલ આવશે કે તેઓ હંમેશાં દુઃખી જોવા મળશે. તેમના ચહેરાને ધ્યાનથી જોશો તો તમને આ વાત સમજાશે. તેમના ચહેરાપર ઉત્સાહ, ઉમંગ, ઉત્કંઠા કે ખુશી નહિ હોય, તેના બદલે થાક, કંટાળો અને હતાશા દેખાશે. તમે માર્ક કરજો આવાં લોકો જલ્દીથી કોઈની સાથે ભળતાં નહિ હોય. તેઓ સંકુચિત માનસના હશે. ભીડથી તેઓ ગુંગણામણ અનુભવતાં હશે. તેમને ગણ્યાગાંઠ્યા મીત્રોજ હશે અથવા તો નહિ હોય. તેઓ સ્વકેન્દ્રી હશે, પોતાનો સ્વાર્થ પહેલાં જોશે.

આપણે ગુજરાતીઓ વિશ્વપ્રવાસી તરીકે ઓળખાઈએ છીએ. દિવાળી આવે કે બાળકોને સ્કુલમાં વેકેશન પડે ત્યારે દરેક ગુજરાતીનો ફરવા જવાનો પ્રોગ્રામ બની ગયો હોય. દેશ વિદેશમાં ફરવાના શોખીન ગુજરાતીઓ દુનિયાનાં અનેક દેશોમાં જોવા મળેછે. દિવાળીના સમયે વેપારીઓ ખાસ અઠવાડિયા દસ દિવસની રજા રાખેછે. તે લોકો પોતાનાં ફેમીલી અને ફ્રેન્ડસ સાથે નાની-મોટી ટ્રીપ ગોઠવતાં હોયછે. વાર-તહેવારે તમે જોતાં હશો કે પેપરમાં ચારધામ યાત્રાની કે ફરવા લાયક સ્થળોની ટુરની જાહેરાતો આવતીજ હોયછે.

હું એક સાડીઓના મોટાં વેપારીને ઓળખુછું. તેઓ દિવાળીની રજાઓમાં ફેમીલી સાથે દર વર્ષે નવાં નવાં દેશોમાં ફરવા જાયછે. ફેમિલીમાં બધાંજ કઝીન અને તેમનાં છોકરાંઓ પણ ખરાં. પચીસથી ત્રીસ જણા દર વર્ષે સાથે ફરવા જાયછે. ટીકીટો અને હોટલોનું બુકિંગ ત્રણ મહિના પહેલાંજ થઇ જાયછે. આ માટે અગાઉથીજ ડેસ્ટીનેશન નક્કી કરીને ખર્ચ પેટે જરૂરી રકમ ઉઘરાવી લેવામાં આવેછે. તેમની આ ફેમીલી ટુરમાં ભાગ્યેજ કોઈ ગેરહાજર રહેછે, સિવાય કે કોઈ ખુબજ જરૂરી કારણ હોય. તેમના કુટુંબના બધાંજ સભ્યો દિવાળીની રાહ આતુરતાથી જુએછે. તેમના મત મુજબ આ રીતે વર્ષમાં એકવાર સાથે પ્રવાસ કરવાથી કુટુંબ ભાવના અને એકબીજાં પ્રત્યેનો પ્રેમ ઉષ્માભર્યો બનેછે.

દુનિયાની બધીજ રમતો જોઈએ તો તે એકલાંથી રમી શકાય તેવી હોતી નથી. હા, હવે કેટલીક ઓનલાઈન મોબાઈલ કે કોમ્પ્યુટરપર રમવાની ગેમ્સ એકલાં રમી શકાય તેવી નીક્ળીછે ખરી. ઇલેક્ટ્રોનીક્સ ગેમને બાદ કરતાં બાકીની બધીજ આઉટડોર અને ઇનડોર ગેમ રમવા માટે એક અથવા એક કરતાં વધારે સાથીની જરૂર પડેછે. ગેમ બનાવનારાઓએ તેની રચનાજ એ રીતની કરીછે. કેમકે ગેમની રચનાજ આનંદ માટે થઈછે અને એકલાં એકલાં રમવાથી આનંદ મળતો નથી. રમતમાં હાર-જીતનું તત્વ હોવાથી ઘણાલોકો તેમાંથી આનંદપ્રમોદ મેળવવાને બદલે દુઃખ અને નિરાશા મેળવેછે. જો રમત હારજીતના આશય સિવાય રમવામાં આવે તો તેમાંથી ભરપુર આનંદ ઉઠાવી શકાયછે. રમતો રમવાવાળાઓને તો મઝા આવેજ છે, પણ તેના જોનારાનેય મઝા આવેછે. એટલા માટેજ દરેક દેશ રમતોને પ્રોત્સાહન આપેછે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોને બધાંજ દેશો એક ઉત્સવ તરીકે ઉજવતા હોયછે.

દુનિયામાં ઉત્સવોની ઉજવણી પણ લોકોનાં આનંદપ્રમોદ માટેજ કરવામાં આવતી હોયછે. ઉત્સવોમાં લોકોને એકબીજાની નજીક આવવાનો મોકો મળેછે. ભારત દેશ તો ઉત્સવોનો દેશછે. આપણા દેશમાં સૌથી વધારે ઉત્સવો ઉજવવામાં આવેછે. આપણા દેશની પ્રજા પણ ઉત્સવ પ્રેમીછે. ઉત્સવો લોકોને એકબીજાં સાથે જોડવાનું કામ કરેછે. તમે કોઈ એકલી વ્યક્તિને ઉત્સવ ઉજવતી જોઈછે ? જો જોઈ હોય તો તેને તમે શું કહેશો ? સ્વાભાવિક રીતે આપણે તેને ગાંડો માણસ ગણીશું.

ઘણાં માણસો હજારોની ભીડ વચ્ચે પણ એકલાં હોયછે. તેઓ ભલે બધાની સાથે રહેતાં હોય, ફરતાં હોય કે રમતોમાં ભાગ લેતાં હોય, અંદરથી તેઓ પોતાની જાતને એકલી મહેસુસ કરતાં હોયછે. તેનું કારણ તેમનો સ્વભાવ છે. તમને દરેક જગાએ આવાં માણસો મળી રહેશે. તેઓ કોઈની સાથે બહુ હળતા-ભળતાં નથી. તે લોકો પોતાને પોતે બનાવેલાં કોચલામાંજ રહેવાનું પસંદ કરતાં હોયછે. તેઓ પોતાની દુનીયામાજ મસ્ત રહેતાં હોયછે. તેનાથી એકદમ વિપરીત સ્વભાવનાં માણસો પણ હોયછે. તેઓ એકદમ ખુશમિજાજી અને ઉત્સાહી હોયછે. આવાં માણસો અજાણી વ્યક્તિઓ સાથે પણ દોસ્તી કરી લેતાં હોયછે. આવાં આનંદી માણસો એકલાં રહી શકતાં નથી. તેઓ ઉત્સવપ્રિય હોયછે. આવાં ખુશમિજાજી માણસોના લીધેજ પાર્ટીઓ, ફંકશનો કે પ્રવાસો જીવંત બની જતાં હોયછે.

બાળકોથી માંડીને ઘરડાં લોકો પણ કોઈકને કોઈકની કંપની શોધતાં હોયછે. દરેક વ્યક્તિને કોઈકનો સાથ, કોઈકનો સહકાર, કોઈકની હુંફ જોઈતી હોયછે. આ દુનિયા દુઃખો, પ્રોબ્લેમો અને મુસીબતોથી ભરેલી છે. આવી દુનિયામાં એકલાં રહેવા કરતાં કોઈકનો સાથ જીવનને સહનશીલ અને સરળ બનાવે છે. આમેય માણસ સામાજિક પ્રાણી છે. તેને સમાજમાં રહેવું ગમે છે, લોકોની વચ્ચે, લોકોની સાથે રહેવું ગમે છે. દરેક માણસ પોતાનું સુખ-દુઃખ એકબીજાને વહેંચવામાં આનંદ અનુભવેછે. તે પોતાનાં જીવનની દરેક પળને ખુશીઓથી ભરીદેવા માગેછે. સુખ તો વહેચવાથીજ વધેછે, વહેચવાથી તેનો આનંદ બેવડાય છે. એટલા માટેજ તો લોકો કહેછે કે સાચી મઝા તો બધાંની સાથે જ આવે છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Janki 6 માસ પહેલા

Verified icon

Avani Chavda 6 માસ પહેલા

Verified icon

Gor Dimpal Manish 7 માસ પહેલા

Verified icon

Ankita Chovatiya 7 માસ પહેલા