સંબંધોની બારાક્ષરી - 39

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૯)

આપઘાત: નિર્બળતા કે બહાદુરી

લાગણીનો અતિરેક ક્યારેક અનર્થ સર્જેછે. એટલા માટેજ આપણે આપણી લાગણીઓને કંટ્રોલમાં રાખવી જોઈએ. માણસ સાવ સંવેદના વગરનો, લાગણી વગરનો કે ભાવના વિનાનો હોય તો તેને પથ્થરદિલનો કહીશું પરંતુ જો તે અતિ સંવેદનશીલ હશે તો તેને શું કહીશું ? દરેક માણસે પોતાની લાગણીઓને, સંવેદનાઓને, ભાવનાઓને કાબુમાં રાખવી જરૂરીછે. જે લોકો પોતાની લાગણીઓ ઉપર કંટ્રોલ નથી કરી શકતાં તેમના જીવનમાં અનેક પ્રશ્નો સર્જાતાં હોયછે.

ડોકટરો અને સાઇકોલોજિસ્ટો પણ માનેછે કે અતિશય લાગણીશીલ માણસો વધારે પડતી ચીંતા કરતાં હોયછે, જેના પરિણામે આવાં લોકો હાઈ બ્લડપ્રેશર, ડાયાબીટીસ, અનિન્દ્રા, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે રોગોનો ભોગ બનતાં હોયછે. જો શારીરિક બીમારીઓ ન થાય તો તેઓ માનસિક રીતે બીમાર પડી જતાં હોય છે. માનસિક કે શારીરિક રીતે બીમાર વ્યક્તિ વધારે પડતી હતાશા અનુભવે છે, પરિણામે તેને જિંદગી ખુબજ કષ્ટદાયક અને રસહીન લાગેછે. તેને જિંદગી જીવવામાંથી રસ ઉડી જાયછે. તેના મનમાં એકજ જાતનાં નેગેટીવ વિચારો સતત ચાલતાં હોયછે. આના કારણે ક્યારેક તે આપઘાત જેવું ભયાનક પગલું ભરી બેસેછે.

એક પુરુષ પોતાની કાર સાફ કરી રહ્યો હતો. તેવામાં તેનો છ વર્ષનો દીકરો પથ્થર લઈને કારની સાઈડમાં ઘસવા લાગ્યો, જેનાથી કારપર લીસોટા પડ્યાં. પેલા પુરુષને ખુબજ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે તેના છોકરાનો હાથ પકડીને જોરથી બે-ત્રણ વાર કારપર પછાડ્યો. પરિણામે તેનો હાથ ભાંગી ગયો અને તેને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો. છોકરાંની બધીજ આંગળીઓમાં ફ્રેકચર થયાં હતાં. છોકરાએ તેના પપ્પાને જોયાં ત્યારે દર્દ ભર્યા અવાજે તેણે પૂછ્યું, ‘પપ્પા, મારી આંગળીઓ ક્યારે સાજી થશે ?!’

છોકરાની વાત સાંભળીને તે ખુબજ દુઃખી થયો. તે કઈ જવાબ આપી શક્યો નહિ. તે પોતાની કાર પાસે આવ્યો. તેને પોતાની જાતપર ખુબજ ગુસ્સો આવ્યો, તેણે કારને જોરથી બે-ત્રણ લાતો મારી. તે કારને ટેકો દઈને ઉભો હતો ત્યારે, તેની નજર તેના છોકરાએ પથ્થરથી પાડેલાં લીસોટા પર પડી. છોકરાએ કાર પર પથ્થરથી લખ્યું હતું, ‘love you dad.’ તે પોતાના દીકરાને મારવા બદલ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તે માણસને એટલું લાગી આવ્યું કે બીજા દિવસે તેણે આપઘાત કરી લીધો.

ગુસ્સાને અને પ્રેમને લીમીટ હોતી નથી. તેને જો કંટ્રોલ કરવામાં ન આવે તો ખોટું પગલું ભરાઈ જાયછે. આ બંને વસ્તુને જો કંટ્રોલ કરતાં આવડે તો આપણી લાઈફ સુંદર અને અવિસ્મરણીય બની જાય. વસ્તુઓનો ઉપયોગ કરો અને માણસોને પ્રેમ કરો, પરંતુ આપણે તેનાથી ઉલટું કરીએ છીએ. આપણે માણસોનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુઓને પ્રેમ કરીએ છીએ. હવેથી તમારાં મનમાં સાવચેતીથી આટલી વાત યાદ રાખી લેજો. ‘વસ્તુઓ વાપરવા માટે છે અને માણસો પ્રેમ કરવા માટે છે.’

તમે જોયું હશે, સાંભળ્યું હશે કે પેપરમાં વાંચ્યું હશે. નાની ઉમરનાં બાળકો પણ આપઘાત કરતાં હોયછે. પરિક્ષાના ડરથી, પરિણામના ડરથી કે ઓછા ટકા આવવાના ડરથી કેટલાંક વિદ્યાર્થીઓ આપઘાત કરતાં હોયછે. તેના માટે સૌથી પહેલાં તો તેમના પેરેન્ટ્સ જવાબદાર ગણાશે. કેમકે કુમળી વયનાં બાળકો પર તેઓ એટલું બધું પ્રેશર ઉભું કરતાં હોય છે, કે છેવટે બાળક આવું પગલું ભરી લેતું હોયછે. દરેક પેરેન્ટ્સે પોતાનાં સંતાનોને ફ્રેન્ડલી અને હળવાશ ભર્યું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. તેમણે પોતાનાં સંતાનોના મનમાંથી પરિક્ષાનો કે ભણવાનો ડર કાઢી નાખવો જોઈએ. તેની સાથે ફ્રેન્ડશીપ કેળવીને તેમને પ્રેમ અને હુંફ પૂરી પાડવી જોઈએ. ઘણીવાર ભણવાના ભય કરતાં મા-બાપનો ભય બાળકોના મનમાં વધું હોયછે.

જ્યાં જુઓ ત્યાં બધાંજ ક્ષેત્રોમાં કોમ્પિટિશન વધવા લાગીછે. આજનાં પેરેન્ટ્સને પણ ડર છે કે પોતાનું સંતાન કયાંક પાછળ રહી ગયું તો ! દરેક મા-બાપને પોતાનાં સંતાનોને પહેલાં નંબરે લાવવું છે, કે જેથી કલાસમાં, સ્કુલમાં કે સમાજમાં પોતાનું નામ રોશન થાય અને પોતાનો વટ પડી જાય. ઘણાં પેરેન્ટ્સ પોતાની અધુરી ઈચ્છાઓ પોતાનાં સંતાનો દ્વારા પૂરી કરવા માંગતા હોયછે. પોતે જે ન કરી શક્યા તે સંતાનોને કરવાની ફરજ પાડતાં હોયછે.

કેટલાંક લોકો આપઘાત કરવો એને બહાદુરી સમજેછે. પોતાની જિંદગી ટુકાવી દેવી, પોતેજ પોતાની જાતને ખતમ કરી દેવી તે શું બહાદુરીનું કામ કહેવાય ? કયા એન્ગલથી આપઘાત કરનારાં બ્રેવ લાગેછે ! મને તો આવાં માણસો ડરપોક, નિરાશાવાદી, નિર્બળ અને પલાયનવાદી લાગેછે. મરી જઈને જિંદગીથી પીછો છોડાવી લેવો તેને પલાયનવાદ નહિ તો બીજું શું કહીશું ! ખરેખર તો મુશ્કેલીઓ સામે, દુખો સામે, સમાજ સામે, દુનિયા સામે, સામી છાતીએ લડવાવાળી વ્યક્તિ બહાદુર હોયછે, હિંમતવાળી હોયછે.

આપઘાતના સમયની એ ક્ષણો બહું કૃશીયલ હોયછે. એ ક્ષણોને જો સાચવી લેવામાં આવે તો તેમાંથી બચી જવાય છે. એ ક્ષણિક આવેગોને સંભાળી લેવામાં આવે, તેને કંટ્રોલ કરવામાં આવે તો થોડીકવારમાં બધું બરાબર થઇ જાયછે. તે પછી આપધાત કરનારી વ્યક્તિ થોડાંક સમય માટે શાંત થઇ જાયછે. આવાં સમયે આપઘાતનો પ્રયત્ન કરનારી વ્યક્તિને જો હુંફ અને પ્રેમ આપવામાં આવે અને તેની સાથે કાઉન્સેલિંગ કરીને તેના મનમાંથી નેગેટીવ વિચારોને દુર કરવામાં આવે તો તે ચોક્કસપણે એક નોર્મલ વ્યક્તિ બની જાયછે.

જેને આપઘાત કરવાનો વિચાર આવતો હોય કે જે માનસિક તણાવમાં રહેતું હોય તેણે સાઈક્યાસ્ટ્રીસ્ટ અથવા તો અન્ય કાઉન્સેલરની સલાહ લેવી જોઈએ. અમદાવાદમાં આવી એક સંસ્થા વિનામૂલ્યે આવી સેવા પૂરી પાડેછે. જેનું નામ ‘સાથ’ છે. અંજુબેન શેઠ તેના ડાયરેક્ટર છે. કોઇપણ વ્યક્તિ તેમની હેલ્પલાઇન પર સવારે એક વાગ્યાથી સાંજના સાત સુધી સંપર્ક કરી શકેછે. તેમનો ફોન નંબર- ૦૭૯-૨૬૩૦૫૫૪૪ અને ૦૭૯-૨૬૩૦૦૨૨૨ છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Gor Dimpal Manish 7 માસ પહેલા

Verified icon

Pankaj Rathod Rathod 7 માસ પહેલા

Verified icon

Khevna Zala 7 માસ પહેલા

Verified icon

Khodabhai Shiyal 7 માસ પહેલા

Verified icon

Bhavesh Shah 7 માસ પહેલા