સંબંધોની બારાક્ષરી - 38

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૮)

પેરેન્ટ્સનો સંતાનો પ્રત્યેનો આંધળો પ્રેમ

તમે ઘણાં પુરુષોને કે સ્ત્રીઓને બોલતાં સાંભળ્યાં હશે, ‘મારો દીકરો તો આવું કરેજ નહિ!’ મારી દીકરી તો એકદમ સીધી, કોઈની સામે આંખ ઉઠાવીને જુએ પણ નહિ!’ ‘મારો છોકરો તો દારૂને હાથ પણ ન લગાડે!’ ‘મારી રીમા મને કહ્યા સિવાય એક ડગલું પણ ન ભરે!’ કેટલાંક માં-બાપને પોતાનાં સંતાનો પ્રત્યે એટલો બધો અંધવિશ્વાસ કે આંધળો પ્રેમ હોયછે કે તેઓ પોતાનો દીકરો કે દીકરી કોઈ ખોટું કામ કરેજ નહી, તેવી જાહેરાત સગાંઓ કે મિત્રો સમક્ષ કરતાં ફરતાં હોયછે. ઘણીવાર તો તેઓ પોતે પણ પોતાનાં દીકરા કે દીકરીનાં લક્ષણો જાણતા હોવાં છતાં આ પ્રકારની ગુલબાંગો હાંકતા હોયછે. સ્ત્રીઓને ખાસ આવી આદત હોયછે.

પોતાનાં સંતાનોને પ્રેરણા આપવી કે શાબાશી આપવી કે તેમનાં સારાં કામોની જાહેરમાં સરાહના કરવી તે સારી વાતછે. તેનાથી બાળકોને કઈક કરવાની, કઈક બનવાની તમન્ના જાગેછે, પરંતુ પોતાનાં સંતાનોની એબ એટલેકે ખામીઓને ખુબીઓમાં વર્ણવીને તેની જાહેરમાં પ્રસંશા કરવી તે બાબત ખરાબછે. કદાચ મા-બાપ બહાર પોતાનાં સંતાનોનો વટ બતવવા કે તેમની સારી છબી ઉભી કરવા આમ કરતાં હશે પરંતુ તેની અસર તેમનાં સંતાનો પર કેવી પડશે તેની તેમને ખબર હોતી નથી. સરેઆમ જુઠું બોલનારાં પેરેન્ટ્સના સંતાનો પણ વાતવાતમાં જુઠું બોલતાં હોયછે. આ ઉપરાંત તેમના મા-બાપ તેમને છાવરતાં હોવાથી સંતાનો પણ ખોટું કામ કરતાં અચકાતાં નથી. ખોટાં કામ કરવા માટે તેમની હિમત ખુલી જાયછે. સંતાનો સારી-ખોટી બાબતો હમેશાં પોતાનાં પેરેન્ટ્સ પાસેથીજ શીખતાં હોયછે.

સત્ય હંમેશાં બહુવાર સુધી છુપાયેલું રહેતું નથી. પોતાનાં સંતાનોની છુપાવેલી ખામીઓ બીજાં દ્વારા છતી થઇ જતી હોયછે. લોકોને બીજાનાં સંતાનોની ગોસીપ કરવાની મઝા આવતી હોયછે. આવાં પેરેન્ટ્સ બીજાનાં સંતાનોનું ખરાબ બોલીને પોતાનાં સંતાનોને મહાન બતાવવાની કોશિષ કરતાં હોયછે. જેનું પરિણામ એ આવેછે કે તેમનાં સંતાનો તેમના હાથમાં નથી રહેતાં. તેઓ તેમનાજ સંતાનોની નજરમાંથી ઉતરી જાયછે. એક સમયે તેઓ તેમની વાત પણ સાંભળતાં નથી. જયારે મા-બાપને પોતાની ભૂલનો અહેસાસ થાયછે, ત્યારે ઘણું મોડું થઇ ગયું હોયછે.

અનીલ ફોરેનથી આવ્યો હતો. તે બે વર્ષે આવ્યો હોવાથી મિત્રોએ તેની પાસે પાર્ટી માગી. અનિલે તેના એક મિત્રના ખાલી ફ્લેટમાં પાર્ટી ગોઠવી. પહેલાં ડ્રીન્કસ અને પછી ડીનર રાખ્યું હતું. બધાએ ખુબ એન્જોય કર્યું. અનિલના પેરેન્ટ્સને ખબર હતી કે અનીલ ઓકેશનલી આલ્કોહોલનું સેવન કરેછે. તેણે પાર્ટીની વાત પણ તેના મમ્મી-પપ્પાને કરી હતી. તેના ફ્રેન્ડ સર્કલમાં પણ મોટાભાગે કોઈનાં પેરેન્ટસને વાંધો ન હતો. એક કપિલના મમ્મી-પપ્પા થોડાંક રૂઢીચુસ્ત હતાં. જેના કારણે કપિલ તેમને સાચી વાત જણાવતો ન હતો. હકીકતમાં કપિલને દર વીકેન્ડમાં પાર્ટી કરવા જોઈતી હતી. તેના જેવાં બીજાં મિત્રો છુપાઈને પીતા હતાં. તે દિવસે અનિલની પાર્ટીમાં કપિલ વધારે પી ગયો હોવાથી મોડી રાત્રે તે પોતાનાં ઘેર ગયો ત્યારે તેની મમ્મીને ખબર પડી ગઈ. તે રાત્રે તો તે કઈ બોલી નહિ.

બીજાં દિવસે કપિલની મમ્મી અનિલના ઘેર પહોંચી અને અનીલ અને તેના પેરેન્ટ્સ સાથે ઝઘડવા લાગી. કપિલે આલ્કોહોલ પીધો તેનો બધોજ દોષ અનિલના માથે નાખ્યો. તેણે તો અનિલને દારૂડિયો કહીને પોતાનાં નિર્દોષ છોકરાને બગાડવાનું આળ મુક્યું. અનીલ અને તેનાં પેરેન્ટ્સ તો હતપ્રભ થઇ ગયાં. અનિલે કપિલની મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે તો સમજવા જ તૈયાર ન હતાં. તેઓ વારંવાર એકજ વાત કહેતા હતાં, ‘મારો કપિલ તો દારૂને હાથ પણ ના લગાડે !’ તેમને પોતાનો દીકરો એકદમ સીધોસાદો અને નિર્દોષ લાગતો હતો. અનિલે તો તેમની વાત સાંભળી લીધી પણ તેણે મનોમન ગાંઠ વળી લીધી કે હવેથી કપિલ સાથે ફ્રેન્ડશીપ રાખવી નહિ.

હું નાનો હતો ત્યારે એક વાર્તા સાંભળેલી. એક મા પોતાનાં દીકરાને એટલાં બધાં લાડ લડાવતી હતી કે તે સ્કૂલમાંથી કોઈની વસ્તુ ચોરી લાવે તો પણ તેને લઢતી નહિ. જેના કારણે છોકરાને નાનપણથી જ ચોરીની આદત પડી ગઈ. મોટો થતાં તે મોટી મોટી ચોરીઓ કરવા લાગ્યો. તેની માને ખબર હોવાં છતાં તે તેને ટોકતી કે રોકતી ન હતી. એક વાર ચોરી કરતાં તેનાથી એક માણસનું ખૂન થઇ ગયું. પોલીસે તેને પકડી પાડ્યો. તેનાપર કેસ ચાલ્યો. જજે તેને ખૂન કરવા બદલ ફાંસીની સજા ફરમાવી. ફાંસી લટકાવતા પહેલાં તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવતાં છોકરાએ તેની માને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. જેલમાં તેની મા મળવા આવી. છોકરાને વળગીને તેની મા રોવા લાગી. છોકરાએ તેની માનું નાક કરડી ખાધું. આનું કારણ તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું. ‘મારી માને હંમેશા યાદ રહે એટલે મેં તેનું નાક કરડી ખાધું. જયારે પહેલીવાર મેં ચોરી કરી તે દિવસે મને મારી માએ રોક્યો હોત, તો આજે મારે ફાંસીએ ચઢવું ન પડત !’

તે છોકરાની વાત સાચી હતી. બાળકો જયારે અણસમજુ અને એમેચ્યોર હોય ત્યારે તેમને ખોટાં રસ્તે જતાં રોકવા જોઈએ. માં-બાપનો અતિશય પ્રેમ અને વિશ્વાસ બાળકોનું જીવન બરબાદ કરી શકેછે. વાતવાતમાં બાળકોને ટોકવા ન જોઈએ પરંતુ તેમને સાચા-ખોટાની સમજ આપવી તે દરેક જાગૃત પેરેન્ટ્સની ફરજ છે. ખોટી બાબતોમાં પણ મા-બાપ પોતાનાં સંતાનોને છાવરશે તો તેનું પરિણામ કેવું આવશે તે તમે સમજી શકો છો.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Khevna Zala 4 માસ પહેલા

Manhar Oza 4 માસ પહેલા

Anirudhsinh Dodiya 4 માસ પહેલા

Manjula 4 માસ પહેલા