સંબંધોની બારાક્ષરી - 35

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૫)

જોઇએછે: સંસ્કારી કન્યા

મેટ્રિમોનીઅલ એટલે કે લગ્નની જાહેરાતો (ખાસ કરીને કન્યા માટેની) જો તમે વાંચી હશે તો તેમાં એક બાબત કોમન જોવા મળશે, ‘સુંદર અને સંસ્કારી કન્યા.’ સુંદરતા, લંબાઈ, વજન, એજ્યુકેશન વગેરે બાબતોતો સમજી શકાય પણ આ સંસ્કારની વાત સમજાતી નથી. આ સંસ્કાર લાવવા કયાંથી ? પહેલી વાત તો એ કે સંસ્કાર કોને કહીશું ? જે કન્યા વડીલોનો પડતો બોલ ઝીલે તેને, પતિને પરમેશ્વર માને તેને, ચુપચાપ જુલમ સહન કરે તેને, વડીલો સામે ઘૂમટો રાખે તેને, અતિ ધાર્મિક હોય તેને કે નોકરની જેમ ઘરનાં ઢસરડા કરે તેને ! સંસ્કાર બાબતે તુંડે તુંડે મતિર્ભીન્ના હોયછે. વ્યક્તિએ વ્યક્તિએ તેની વ્યાખ્યા બદલાયછે. કોઈ ધાર્મિક કન્યાને સંસ્કારી કહેશે, તો કોઈ ઘૂંઘટમાં છુપાયેલી રહેતી હોય તેને, તો કોઈ વડીલોનો પડ્યો બોલ ઝીલે તેને.

‘સંસ્કારી કન્યા’ બાબતે અવઢવ તો છેજ, તે ઉપરાંત એક પ્રશ્ન સૌને મુંજવતો હશે. જો ‘સંસ્કારી કન્યા’ હોય તો ‘સંસ્કારી વર’ કેમ નહિ ? દરેકને સંસ્કારી કન્યા જોઇએછે પણ પોતે સંસ્કારી છે કે નહિ તે વિચારતાં નથી. અહીં પણ પેલી, ‘સંસ્કારી કોને કહીશું,’ તે વાત લાગુ પડશે. વરના મા-બાપ પણ છોકરીના સંસ્કાર ચેક કરશે પણ પોતાનો છોકરો કેટલો દુધે ધોયેલો છે તે નહિ જુએ. અગેઇન અહી પુરષપ્રધાન માનસિકતા આડે આવશે. પુરુષોને સ્ત્રીઓની એકે એક બાબત ચેક કરવાની પરમીશન મળેલી હોય અને સ્ત્રીઓને આવો કોઈ અધિકારજ નહિ !

એ વાત જુદી છે કે શહેરમાં એજ્યુકેટેડ છોકરા-છોકરીઓ એકબીજાને સમકક્ષ ગણેછે અને બંને જણ એકબીજાં વિશે બધીજ બાબતો પૂછી લેતાં હોયછે. જોકે સમાજમાં આવા લોકો ગણ્યાગાંઠ્યા જ હોયછે, બાકી મોટાભાગના કિસ્સાઓમાં તો પુરુષનું જ પલ્લું ભારે હોયછે. પુરુષ પ્રધાન સમજમાં દરેક પુરુષને સીતા જેવી પવિત્ર અને સંસ્કારી પત્ની જોઈએ છે પણ પોતે રામ છે કે નહિ તે વિચારતાં નથી કે રામ જેવાં થવાનો પ્રયત્ન પણ કરતાં નથી. પોતે રાવણ જેવો હોય તો વાંધો નહિ પણ પત્ની તો સીતા કે મંદોદરી જેવીજ જોઈએ.

એક છોકરી પરણીને સાસરે આવી. થોડાંક દિવસ તો બધું વ્યવસ્થિત ચાલ્યું. પેલી કહેવત છે કે ‘નવી વહુ નવ દાડા.’ થોડાંક દિવસ બાદ છોકરો તેના અસલ રૂપમાં આવી ગયો. તે રાત્રે મોડો આવવા લાગ્યો. તે તો ઠીક પણ પાછો પીને આવવા લાગ્યો. તેની પત્નીએ તેને સમજાવ્યો, કોઈક દિવસ પીઓ તો વાંધો નહિ, રોજ રોજ પીવું તે સારી વાત નથી. પતિએ પત્નીની વાત ગણકારી નહિ. પત્નીએ આ વાત તેની સાસુને કરી. સાસુએ પણ વાત કાને ધરી નહિ. હવે પત્નીએ તેના પતિને કડક શબ્દોમાં ખખડાવ્યો. પતિએ બધાની હાજરીમાં તેની પત્નીને લાફો મારી દીધો. પત્ની વિફરી, તેણે પણ પતિને લાફો માર્યો. આ જોઇને તેની સાસુએ કાગારોળ મચાવી. પડોશીઓ ભેગાં થઇ ગયાં. વાત વણસી ગઈ. સાસુએ વહુના માં-બાપને ફોન કરીને બલાવ્યા.

વહુના માં-બાપે પોતાની છોકરી વતી માફી માગી. છોકરાનાં માં-બાપે તેમની વહુને સંસ્કાર વિનાની કહીને તેમના વેવાઈ અને વેવાણને ખરુંખોટું સંભળાવ્યું. તેમનો છોકરો રોજ દારૂ ઢીંચીને આવતો હતો તેનું કઈ નહિ અને તેમની વહુએ માર સહન કરવાને બદલે તેને લાફો માર્યો તેમાં તે સંસ્કાર વિનાની અને નાલાયક થઇ ગઈ. અધૂરામાં પૂરું પાડોશીઓએ પણ સાચી વાત જાણ્યા વિના તેમના સૂરમાં સુર પુરાવ્યો. વહુના માં-બાપ પણ તેમની વાત સાચી માનીને છોકરીને ધમકાવવા લાગ્યાં. વહુને ખુબજ દુઃખ થયું. તે સાચી હોવાં છતાં કોઈ તેની વાત માનવા તૈયાર ન હતું, તેના માં-બાપ પણ નહિ. વહુ એકલી કરે પણ શું ?

હજુપણ સંસ્કારના નામે કેટલીએ સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં આવેછે. કહેવાતાં સંસ્કારી અને મોટાં કુટુંબોમાં એકવીસમી સદીમાં પણ જુનવાણી વિચારસરણી અસ્તિત્વમાં છે. સદીઓ જૂની પરમ્પરાઓ અને રીવાજોને તે લોકો સંસ્કારના નામે ઘરની સ્ત્રીઓપર ઠોકી બેસાડે છે. જે તેમને વશ થઈને તેમની વિચારસરણી મુજબ જીવેછે તેને પણ સહન કરવું પડેછે અને જે તેમની સામે થઈને તેમની વાતનો વિરોધ કરેછે તેમને તો વધારે સહન કરવું પડેછે. આ સંસ્કારનું ભૂત લોકોનાં મનમાં (ખાસ કરીને પુરુષોના) એવું તો ઘર કરી ગયું છે કે તેને કાઢવું મુશ્કેલ થઇ ગયું છે. ઘણાલોકો સંસ્કારના નામે પોતાને મનગમતાં કામો કે ગુલામી પોતાની સ્ત્રીઓ પાસે કરાવીલેછે.

આપણા ઉત્તરકાળના ગ્રંથોપુરાણો અને મનુસ્મૃતિમાં સ્ત્રીઓને મુર્ખ, કપટી, અપવિત્ર, જુઠી અને કાતિલ ગણાવી છે. તેમણે શું શું કરવું અને શું શું ના કરવું તેનું તેમાં વિવરણ આપ્યુછે. તેમાં જણાવ્યું છે કે સ્ત્રીઓ તો તાડનની અધિકારી છે. એટલે કે પુરુષોને સ્ત્રીઓપર જુલમ કરવાનો અધિકાર છે. જે શાસ્ત્રો સ્ત્રી-પુરુષોમાં ભેદભાવ કે વૈમનસ્ય રાખતાં હોય તેવાં શાસ્ત્રોને શું કરવાનાં ? સ્ત્રિઓએજ આવાં શાસ્ત્રોનો વિરોધ કરવો જોઈએ.

જે માણસને માણસની નજીક લાવે, એકબીજાં પ્રત્યે પ્રેમ જન્માવે, વૈમનસ્ય દુર કરે અને સમાજ તંદુરસ્ત બનાવે તેને કહેવાય સંસ્કાર, પરંતુ જે માણસ માણસ વચ્ચે ભેદભાવ જન્માવે, બંને વચ્ચે વેર-ભાવ વધારે અને એકબીજાથી દુર કરે તેવાં સંસ્કાર શા કામના ?!

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sunhera Noorani 4 માસ પહેલા

Manjula 4 માસ પહેલા

Jasmina Divyesh 4 માસ પહેલા