સંબંધોની બારાક્ષરી - 33

સંબંધોની બારાક્ષરી

મનહર ઓઝા

(૩૩)

ટેન્શન પાળવાનો શોખ

કુતરા, બિલાડાં, સસલાં કે પોપટ, ચકલી પાળવાનો શોખ હવે જુનો થઇ ગયો છે. હોબી માર્કેટમાં આજકાલ ટેન્શન પાળવાનો શોખ હોટફેવરીટ છે. જેને જુઓ તે ટેન્શન માથે લઈને ફરતાં હોયછે. આપણા ચિંતકોએ કહ્યુછે, ‘ચીંતા ચિતા સમાન છે.’ ડોકટરો પણ ટેન્શન નહી કરવા જણાવતાં હોય છે. ટેન્શન કરવાથી બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, અનિંદ્રા, ડાયાબીટીસ અને હાર્ટએટેક આવવના પણ ચાન્સ વધી જાયછે. ડોકટરો ગમે તેમ બુમો પાડી પાડીને કહેતા હોય, તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.

એક બહેન હતાં, સરલાબહેન. જયારે જુઓ ત્યારે તેઓ ટેન્શનમાંજ હોય. રમીલા તેમની સારી ફ્રેન્ડ હતી. રમીલાનો સ્વભાવ જરા નફીકરો. તે સદાય હસતી હોય. રમીલા ઘણીવાર સરલાને સમજાવે. થોડોક સમય તેની અસર રહે પણ પેલી માખીની જેમ વળી વળીને સરલા પાછી ટેન્શનનું પોટલું લઈને બેસી જાય. સરલા તેની ચિતાઓ ગણાવે. ‘મારી છોકરી હવે પરણાવવા લાયક થઇ, તેને સારું સગું ના મળે ત્યાં સુધી ટેન્શન થાયજને !’ આનો તમે શું જવાબ આપો !

થોડાંક સમય પછી તેમની છોકરીને ભણેલો-ગણેલો સારો છોકરો મળી ગયો. લગ્ન કરીને તે તેના પતિ સાથે અમેરિકા ચાલી ગઈ. હવે સરલાબેનને છોકરી ત્યાં શું કરતી હશે, કેવી રીતે જીવતી હશે, શું ખાતી હશે તેની ચીંતા હતી. એકાદ વર્ષમાં છોકરીને ત્યાં છોકરો આવ્યો. સારા સમાચાર સાંભળીને સરલાબેન થોડોક સમય આનંદમાં રહ્યાં. વળી પાછી તેમને ચીંતા સતાવવા લાગી કે મારી દીકરી નાના છોકરાને એકલી કેવી રીતે ઉછેરતી હશે ! તેને તો છોકરાં ઉછેરવાનો અનુભવ પણ નથી.

ટૂંકમાં, જે વ્યક્તિને સતત ટેન્શનમાંજ રહેવું હોય તેને કોણ બહાર કાઢી શકે ? આતો પેલી રાણી જેવું થયું. એક રાજાને એક ભિખારણ ગમી ગઈ. કહેવત છેને, ‘રાજાને ગમે તે રાણી.’ રાજા તેને પરણીને મહેલમાં લાવ્યો. મહેલમાં બત્રીસ જાતનાં ભોજન અને જાત જાતનાં પકવાનો જોઇને ભિખારણ ચકરાઈ ગઈ. તાજી થવાને બદલે તે દિવસેને દિવસે દુબળી પડવા લાગી. રાજાએ તેની ખાસ નોકરાણીને તપાસ સોંપી. નોકરાણીએ તપાસ કરીને જણાવ્યું કે તે ભૂખી રહેછે એટલે દુબળી પડીછે. ભૂખ્યા રહેવાનું કારણ એ હતું કે આટલું તાજું અને સરસ ભોજન તેણે કોઈ દિવસ ખાધું ન હતું એટલે તે ખાઈ શકતી ન હતી.

નોકરાણીએ ઉપાય કર્યો. રોટલી-રોટલાનાં ટુકડાં તેના દેખતાં રૂમાલમાં વીંટીને રૂમમાં સંતાડી રાખ્યાં. રોજ એ પ્રમાણે કરવાથી પેલી ભિખારણ વાસી રોટલી-રોટલાં ખાવા લાગી અને થોડાંક દિવસોમાં તો તે તાજીમાજી થઇ ગઈ. ટુંકમાં તેને તાજું ભોજન નહિ પણ વાસી ભોજન ગમતું હતું. તેમાં તેને સુખ મળતું હતું. જે માણસને ટેન્શન ગમતું હોય તેને તમે તેમાંથી ગમે તેટલાં બહાર લાવવાના પ્રયત્ન કરો તો પણ તે તેમાંથી નીકળશે નહિ. તેને તો પોતાની ચિંતાઓમાંજ રચ્યાપચ્યા રહેવાનું ગમશે.

ઘણીવાર તમે સ્ત્રીઓને વાતો કરતાં સાંભળી હશે. સ્ત્રીઓનાં ટેન્શનો તેમના ઘરનાં કામકાજ અને બાળકોના અભ્યાસ માટેનાં હશે. ‘કાલે તો મારે ત્યાં મહેમાનો આવવાના છે. મને તો કોઈ આવવાનું હોય ત્યારે ટેન્શન થઇ જાયછે.’ ‘માર્ચમાં મારા ચિન્ટુની બોર્ડની પરીક્ષા છે, મને તો અત્યારથી તેનું ટેન્શન થઇ ગયુંછે.’ ‘લગ્નની ખરીદી કરવી એટલે મોટું ટેન્શનનું કામ કહેવાય.’ આતો ઠીક છે પણ જો વાતોવાતોમાં કોઈ સ્ત્રી એમ કહે કે, ‘મને તો છોકરાઓનું જરાયે ટેન્શન રહેતું નથી.’ તો તો તેનું આવીજ બન્યું સમજો. ‘કેવી મા છે પોતાનાં છોકરાંઓની જરાયે ચીંતા નથી, બોર્ડમાં જયારે ઓછા ટકા આવશે ત્યારે ખબર પડશે.’ જાણેકે ચીંતા કરવી તે સ્ટેટસનું કામ હોય !

ઈન્ટરનેટ પર વાંચેલી એક વાત યાદ આવેછે. મનુભાઈ સવારે ઉઠ્યા ત્યારે ટેબલપર છાપા સાથે એક ચિઠ્ઠી મળી. ચિઠ્ઠી તેમની એકની એક દીકરી નૃપાની હતી. મનુભાઈ કુતૂહલવશ ચિઠ્ઠી વાંચવા લાગ્યાં.

ડીયર પપ્પા-મમ્મી,

આજે હું આ ઘર છોડીને જાઉછું. મેં મારા એક બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધાછે. મારો હસબન્ડ ચાલીસ વર્ષનો છે. તેને પહેલી પત્નીથી થયેલાં ત્રણ બાળકો છે. તે એક ચાલીમાં નાનકડી ઓરડીમાં રહેછે. તેના બે બાળકો સ્કુલમાં ભણેછે અને દસ વર્ષની એક છોકરી મંદ બુદ્ધિની છે. મારા પતિને ભૂતકાળમાં કોલગર્લ સાથે સંબધો હોવાથી તેમને એઇડ્સ થયેલો છે. બીમારીના કારણે તેમની પત્ની તેને છોડીને ભાગી ગઈ છે અને નોકરી પણ છૂટી ગઈ છે.

હું જાણુંછું કે આ જાણીને તમને દુઃખ થશે. તમને થશે કે મેં કેમ આવો પતિ પસંદ કર્યો હશે ? એટલા માટે કે હું તેને પ્રેમ કરુછું. તમે અને મમ્મી મને શોધવાની કોશીષ કરતાં નહિ. મને ભૂલી જજો અને શાંતિથી રહેજો.

એજ, તમારી વહાલી નૃપા.

ચિઠ્ઠી વાંચીને મનુભાઈ અને તેમના પત્ની ભાંગી પડ્યાં. આખો દિવસ તેમણે રોવામાં કાઢ્યો. બીજા દિવસે વહેલી સવારે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. જોયું તો સામે નૃપા ઉભી હતી. મનુભાઈ તેને ભેટીને રડવા લાગ્યાં. બંને જણ સ્વસ્થ થયાં ત્યારે નૃપાએ તેમને જણાવ્યું. ‘તમે મને કશું પૂછો તે પહેલાં હું તમને બંનેને હકીકત જણાવી દઉં. પહેલી વાત તો એ કે ચિઠ્ઠીમાં જે કઈ મેં લખ્યું હતું તે બધુજ ખોટું હતું, ઉપજાવી કાઢેલું હતું. મારા જીવનમાં આનાથી વધારે ખરાબ તો તમે વિચાર્યું નહિજ હોય ! તમે લોકો મારા માટે એટલા ટેન્શનમાં રહેતાં હતાં, કે તમને સબક શીખવાડવા મારે આ નાટક કરવું પડ્યું. મારે જોવું હતું કે આટલું બધું થયાં પછી તમે કેવી રીતે સર્વાઈવ થાવછો ! તમેજ વિચારો કે નાની બાબતોમાં તમે જે ટેન્શન કરોછો તે જરૂરી છે ?’ તે પછી મનુભાઈ અને તેમની પત્નીએ ટેન્શન કરવાનું છોડી દીધું.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sunhera Noorani 4 માસ પહેલા

Manhar Oza 5 માસ પહેલા

Janki 5 માસ પહેલા

Rakesh Thakkar 5 માસ પહેલા