સંબંધોની બારાક્ષરી - 41

(૪૧)

પહેલું સુખ: તંદુરસ્તી  

કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ તંદુરસ્ત રહેવું કોને ન ગમે ! બધાંને તંદુરસ્ત રહેવું છે, છતાં પણ બધાં તંદુરસ્ત રહી શકતાં નથી. કેમ, આવું કેમ થાયછે ? મારો એક મિત્ર મને હંમેશાં કહેછે, સ્વસ્થ અને નીરોગી રહેવું તે આપણા હાથમાંજ છે. તમને પ્રશ્ન થતો હશે કે જો સ્વસ્થ રહેવું આપણા હાથમાં હોય તો લોકો બીમાર કેમ પડતાં હશે ? જાણીજોઈને તો કોઈ બીમાર પડતું નહિ હોયને ! તમારો પ્રશ્ન વાજબી છે. બીમાર પડવું કોઈનેય ગમતું નથી, કે કોઈને બીમાર પડવાનો શોખ થતો નથી. તો પછી તેના માટે જવાબદાર કોણ ?

માણસ જયારે તંદુરસ્ત હોય, સાજોસારો હોય ત્યારે તે સપનામાં પણ બીમારી વિષે વિચારતો નથી. અને વિચારવું પણ ન જોઈએ. કેમકે બીમારીના વિચારો કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. પણ હા, તેના માટે જાગૃત રહેવું જોઈએ, એટલેકે પોતાનું શરીર સાજુસારું રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણું શરીર એ આપણી મહામુલી મુડીછે, જીવન જીવવા માટેનું માધ્યમ છે, સુખ-દુઃખ ભોગવવાનું સાધન છે. જો શરીર ન હોય તો આપણું અસ્તિત્વ પણ રહેવાનું નથી. જો આપણું શરીર આટલું અગત્યનું હોય તો તેનું ધ્યાન રાખવું કે તેને સ્વસ્થ રાખવું જરૂરી છે. ધર્મોમાં ભલે શરીરને મિથ્યા કહ્યું હોય પણ એજ મિથ્યા શરીર દ્વારા આપણે જીવન જીવીએ છીએ અને તેના દ્વારાજ દુનિયાનાં ભૌતિક તેમજ ચૈતસિક સુખો ભોગવીએ છીએ.

આપણું વિજ્ઞાન કહેછે કે આપણું શરીર કુદરતે એવું બનાવ્યું છે કે આસાનીથી તે સો વર્ષ જીવી શકે. આપણા શરીરના અંગો જુઓ. કુદરતે આપણને બે હાથ, બે પગ, બે આંખો, બે કાન, બે ફેફસાં, બે કીડની આપીછે. મોટાભાગે દરેક વસ્તુ ડબલ આપીછે. હા, હૃદય અને માથું એકજ આપેલુંછે. જોકે આ બે અંગો એટલાં મજબુત આપ્યાછે કે આપણે જનમ્યા ત્યારથી તે મરીએ ત્યાં સુધી તે અવિરતપણે કામ કર્યાં કરેછે. જ્યાં સુધી આપણા શરીરનાં અંગો બરાબર ચાલતાં હોય ત્યાં સુધી આપણને તેની કદર હોતી નથી. આપણે તેની સંભાળ લેતાં નથી. કોઈ દિવસ પગ મચકોડાઈ ગયો હોય કે આંગળીમાં વાગ્યું હોય કે મેલેરિયા થયો હોય ત્યારે આપણે કેવાં ઢીલાં થઇ જઈએ છીએ ? તે સમયે આપણને આપણા શરીરનો અને તેના અંગોના મહત્વનો અહેસાસ થાયછે. તે સમયે આપણે શરીરની કેર કરવા લાગીએ છીએ. પરંતુ જેવાં આપણે સાજા થયાં કે પત્યું, હું કોણ ને તું કોણ ? મતલબ કે સાજા થયાં પછી પાછાં આપણે આપણા શરીરને ભૂલી જઈએ છીએ.

આપણું શરીર ચલાવવા માટે, તેને પુરતું પોષણ મળી રહે તેના માટે નિયમિત પૌષ્ટિક ખોરાક ખાવો જરૂરી છે. આપણો ખોરાક જ દર્દ છે અને ખોરાક જ દવા છે. સમતોલ આહાર આપણા શરીર માટે ખુબજ જરૂરી છે. આ બધી વાતો આપણે જાણીએ છીએ. નાના હતાં ત્યારથીજ આપણે શરીર વિશેની બાબતો ભણ્યા છીએ. આપણે સારીરીતે જાણીએ છીએ કે શરીર માટે કેવાં પ્રકારનો ખોરાક સારો અને કયો ખરાબ ! છતાંપણ આપણે સમતોલ આહાર લેતાં નથી. કેમ ? આવું કેમ થાયછે. તેનું કારણ એટલુજ કે આપણે અવનવા બહાનાં બનાવવામાં હોંશિયાર છીએ. અલગ અલગ તર્ક કે બહાનાં બનાવીને આપણે બીજાં લીકોનેજ નહિ, આપણને પણ છેતરતાં હોઈએ છીએ.

તમે ઘણાને કહેતા સાંભળ્યાં હશે. ‘હું તો બેજ રોટલી ખાઉં છું તો પણ મારું શરીર વધી જાયછે.’ ‘હું તો ઘી ખાતી જ નથી.’ ‘મને તો ફરસાણ ભાવતુજ નથી, તોયે ખબર નહિ વજન કેમ વધતું હશે ?’ ‘જંકફૂડને તો હું હાથ પણ લગાડતો નથી.’ ‘અઠવાડિયામાં એકવાર બર્ગર ખાવાથી પેટ થોડું વધી જાય !’ પોતાનાં બચાવમાં લોકો આવી તો અસંખ્ય દલીલો કરતાં હોયછે. આવાં લોકો જુઠું બોલીને સામેવાળાને તો છેતરેજ છે, સાથે સાથે પોતાને પણ છેતરે છે. તેમના જુઠું બોલવાથી સામેવાળાને તો કશુજ નુકસાન થવાનું નથી. હા, તેમનું પોતાનું નુકસાન જરૂર થાયછે.

સ્વસ્થ કે તંદુરસ્ત રહેવા માટે બે કે ત્રણ બાબતો યાદ રાખીને તેને ફોલો કરવી જોઈએ. સૌથી પહેલાં તો રોજ દિવસમાં પિસ્તાલીસથી સાઈઠ મીનીટની કસરત કરવી જોઈએ. આ કસરતમાં ચાલવાની, દોડવાની, એરોબીક્સ, યોગા, દંડબેઠક, હાથ-પગની, કમરની વગેરે સામાન્ય કસરતો કરી શકાય. બીજી આગત્યની બાબત છે સવારનો નાસ્તો. દરેક વ્યક્તિએ સવારે પેટભરીને હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. અને છેલ્લી બાબત, દરેક વ્યક્તિએ પોતાનું વજન ન વધે તેનો ખ્યાલ રાખવો જોઈએ. તેના માટે ચરબીવાળો ખોરાક, તીખું-તળેલું, જંકફૂડ, મીઠાઈ વગેરે એવોઈડ કરવું જોઈએ. ટૂંકમાં આપણું શરીર વધારે તેવું ફૂડ ન ખાવું જોઈએ.

વધારે પડતું વજન આપણી જીંદગીમાં અનેક સમસ્યાઓ સર્જી શકેછે. ઓવર વેઇટ લોકોને ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, ઢીંચણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ચાલવા-ઉઠવાની તકલીફ, હોયછે. તેમને હાર્ટએટેક આવવાની શક્યતાઓ નોર્મલ માણસો કરતાં વધારે હોયછે. ઘણીવાર માનસિક પ્રોબ્લેમો પણ થતાં હોયછે. એક પ્રયોગ કરવા જેવો છે. તમે તમારી પીઠ પાછળ દસ કિલોનું વજન એક દિવસ સુધી લટકાવી રાખજો. સાંજ સુધીમાં તો તમે જબરદસ્ત થાકી ગયાં હશો. બીજાં દિવસે શરીરના સાંધા દુખવા લાગશે. જો એકજ દિવસમાં આવું થતું હોય તો રોજેરોજ વધારાનું વજન ઊંચકીને ફરવું કેટલું કષ્ટદાયક લાગતું હશે ! ઓવરવેઇટ માણસો આવુજ કરતાં હોયછે. ફરક એટલો હોયછે કે તેઓ જાણતા નથી હોતાં કે તેઓ વધારાનું વજન ઊંચકીને ફરી રહ્યાંછે. આ એક કરુણ વાસ્તવિકતાછે.

તમે શું માનોછો, જાડા માણસો એકાએક જાડા થઇ જતાં હશે ! જેમ એકાએક શરીરનું વજન ઉતરી શકાતું નથી તેમ એકાએક વધી પણ જતું નથી. ખાવા-પીવાની બેડ હેબીટ્સના કારણે દરરોજ થોડુક થોડુક વજન વધતું જાયછે, જેની આપણને ખબર પણ પડતી નથી. એક સાદું ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ તેના ખોરાકમાં રોજની ત્રણ હજાર કેલેરી લેછે. આખા દિવસ દરમ્યાન તેની બે હજાર પાંચસો કેલેરી વપરાયછે. બાકીની પાંચસો કેલેરી જમા રહેછે. તમે ગણતરી કરજો કે આખા વર્ષ દરમ્યાન તેના શરીરમાં કેટલી કેલેરી જમા થઇ હશે ? આ જમા થયેલી કેલેરી ચરબીમાં રૂપાંતરિત થાયછે. જે ચરબી આપણા શરીરના અંગોમાં જમા થતી રહેછે. હવે તમેજ નક્કી કરજો, સ્વસ્થ રહેવું એ તમારાં હાથમાં છે કે નહિ ?

$$$

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Jasmina Divyesh 6 માસ પહેલા

Verified icon

Janki 8 માસ પહેલા

Verified icon

Manjula 8 માસ પહેલા