સંબંધોની બારાક્ષરી - ૩૦

(૩૦)

   બેસણું  

        જ્યારે કોઈ મૃત્યુ પામેછે ત્યારે શોક વ્યક્ત કરવા માટે બેસણું રાખવામાં આવેછે. આજથી પંદર વીસ વર્ષ પહેલાં સ્વજનના મૃત્યુ પછી નક્કી કરેલા દિવસે બહાર ગામથી સગાં-સંબધીઓ શોક વ્યક્ત કરવા માટે આવતાં અને મોટે મોટેથી રોકકળ કરીને, મરશીયા ગાઈને પોતાનું દુઃખ વ્યક્ત કરતાં હતાં. દરેક ગામનાં લોકો ભેગાં થઈને સાથેજ આવતાં હોવાથી આવા સમુહને ‘સાથ’ કહેવામાં આવતો હતો. તે સમયે તેવો રીવાજ હતો. જેટલાં ગામોમાં મરનારાના સગાં-સંબધીઓ હોય તેટલાં ગામોમાંથી ‘સાથ’ આવતાં. રોવા-ફૂટવાનું પતિ ગયાં પછી તેમને મિષ્ટાન સાથે ભોજન પીરસવામાં આવતું. સમયની સાથે સાથે તે રીવાજ ઓછો થઇ ગયોછે. શહેરમાં તો હવે નક્કી કરેલા દિવસે અને સમયે બેસણું રાખવામાં આવેછે. જોકે અંતરિયાળ ગામડાંઓમાં હજું પણ રોવા-કુટવાનો રીવાજ અસ્તિત્વમાં છે.

        સમયની સાથે હવે શોક વ્યક્ત કરવાની પદ્ધતિ બદલાઈ છે. રોવા-ફૂટવાનું સ્થાન હવે બેસણાએ લીધુછે. બેસણાનો આખો કાર્યક્રમ હવે તો લગ્નની જેમ ડીઝાઇન કરવામાં આવેછે. કેટલાંક ભેજાબાજ વેપારીઓએ તેમાં ધંધાની તક જોતાં એન્ટ્રી મારીછે. આપણા ગુજ્જુઓ દરેકે દરેક પરિસ્થિતિમાં ધંધાની તક શોધતાં હોયછે. જોકે તેમાં તેમનો વાંક નથી, ધંધો આપણા લોહીમાંજ છે. આપણા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ તેનું મોટું ઉદાહરણ છે.

        ઘણાં લોકોનાં બેસણામાં તમે ગયાં હશો, સાદા ઠાઠમાઠ વિનાના અને હાઇફાઇ બેસણામાં પણ. સાદા બેસણામાં સોસાયટીના કમ્પાઉન્ડમાં કે ફ્લેટના પાર્કિંગમાં શેતરંજી પાથરીને મરનારના ફોટા સામે દીવો અને અગરબત્તી કરીને તેમના થોડાંક સ્વજનો બેઠેલાં દેખાશે. હાઈફાઈ બેસણામાં તેનાથી અલગજ પ્રકારનો માહોલ જોવા મળશે. આવું બેસણું કોઈક એરકન્ડીશન હોલમાં રાખેલું હશે. તમને હોલની બહાર ટેબલપર મિનરલ વોટરના જગ, ડિસ્પોઝેબલ ગ્લાસ, એક જારમાં ચા અને બીજાં જારમાં કોફી જોવા મળશે. હોલમાં એન્ટર થાઓ એટલે તમને સ્ટેજની વચ્ચે ગુજરી ગયેલાં વ્યક્તિની ત્રણેક ફૂટ મોટી છબી ગોઠવેલી દેખાશે. છબીપર લાલ ગુલાબ અને ચંદનનો હાર પહેરાવ્યો હશે. તેની આગળ મોટો દીપ અને સુગંધિત ધૂપસળી સળગતી હશે. બાજુમાં ગુલાબની પાંખડીઓથી ભરેલો થાળ હશે. સ્ટેજની એકબાજુ સંગીત મંડળી કરુણસ્વરમાં ભજનો અને મૃત્યુ ગીતો રેલાવતી હશે. સ્ટેજની નીચે સોફા તથા ખુરશીઓમાં મરનારનાં સ્વજનો અને સગાં-સંબધીઓ સંગીતના તાલમાં માથું હલાવતાં દેખાશે. બેસણામાંથી બહાર નીકળે તેને ગીતા, ભજન કે અન્ય ધાર્મિક પુસ્તક અથવા મરનારના જીવનની ગાથાનું પુસ્તક, સુકામેવાનો પ્રસાદ, દીવી વગેરે ભેટ આપવામાં આવશે. બેસણામાં આવનાર વ્યક્તિ ગદગદિત થઇ તેમની પ્રસંશા કરશે.

        આવાં શોઓફ કે દેખાડો કરવા માટેનાં બેસણાની જાહેરાત પણ શહેરના અગ્રગણ્ય છાપાઓમાં રંગીન ફોટા સાથે આપવામાં આવી હશે. મોટાભાગે બેસણાની જાહેરાતમાં પોતાની ફર્મ, કંપની કે પેઢી અને ધંધાની વિગતો પણ છાપવામાં આવતી હોયછે. બેસણા પછી ઘણાં લોકો પોતાનાં સગાં-સંબધીઓ પાસેથી બીજાં દિવસે ફીડબેક પણ મેળવતાં હોયછે. ‘શું બાપુજીનું બેસણું બરાબર હતુંને ? આપણે પ્લાનિંગ જ એવું કરેલું કે કોઈ વાતની કમી લાગે. આવા પ્રસંગો વારેઘડીએ થોડા આવેછે !’ જાણે કે મોટું તીર માર્યું હોય તેમ જાતેજ પોતાનાં વખાણ કરવા લાગે. પ્રસંગનો મલાજો જાળવવા જેટલી પણ સમજણનો અભાવ હોય તેવાં લોકોને શું કહેવું !

દુઃખની વાત તો એ છે કે આવા પ્રસંગોમાં બેસવા આવેલાં લોકો ધીમા અવાજે અન્ય એળખીતાઓ સાથે આડીઅવળી વાતોજ કરતાં હોયછે. કેમકે મરનારના તેઓ નીકટના સગાં હોતાં નથી. ઘણીવાર તો મરનારને તેઓ ક્યારેય મળ્યા પણ હોતાં નથી. કેટલીકવાર મરનારના સગાના મિત્ર તરીકે કે વેવાઈના સગાના કારણે આવવું પડતું હોયછે. તમેજ વિચારો, તમે જ્યાં નોકરી કરતાં હોવ ત્યાં તમારા કલીગના પપ્પાનું અવસાન થાય અને તમે સ્ટાફના નાતે બેસણામાં જાઓ, ત્યારે તમારા મનમાં મરનાર પ્રત્યે કેટલી લાગણી હોવાની ! અને જો લાગણીજ ન હોય તો દુઃખ કેવી રીતે થાય ? આ એક વરવી વાસ્તવિકતા છે. તમને નથી લાગતું કે બેસણાની આ પ્રથા બંધ કરવી જોઈએ ! મારા એક દુરના સગાએ આવું કર્યું હતું. તેમણે તેમનાં સંતાનોને સ્પસ્ટ જણાવી દીધું હતું કે મારા મર્યા પછી કોઈપણ જાતનો શોક કરવાનો નહિ, બેસણું કે અન્ય વિધિ રાખવાની નહિ અને કોઈ સગાંને જાણ પણ કરવાની નહિ. તમે માનશો, તેમના સંતાનોએ પણ તેમના પિતાજીના કહેવા પ્રમાણે જ કર્યું. તેમનું માનવું હતું કે આ મોંઘવારીના જમાનામાં લોકોને બોલાવીને તેમનો સમય અને પૈસા બગડવાની શી જરૂર છે ? આવાં ખોટાં રીવાજો બંધ કરવામાં આવે તો લોકોનો સમય અને પૈસાની બચત થાય. તેમનો આ દૃષ્ટિકોણ એકદમ રેશનલ છે.

ખરેખર તો જેનું સ્વજન મરી જાયછે તેનેજ દુઃખ થાયછે. રોવા-ફૂટવાનો રીવાજ એટલા માટે અસ્તિત્વમાં આવ્યો કે જેથી કરીને બધાં સગાંઓ તેને મળે, તેના દુઃખમાં ભાગીદાર બને એટલે તેનું દુઃખ હળવું થઇ જાય. આમ જોવા જઈએ તો સ્વજનું મૃત્યુ એ દરેક વ્યક્તિનો અંગત પ્રસંગ છે. તેમાં તેના નજીકનાં સગાંઓ ભાગીદાર બને તે ઠીક છે પરંતુ તેને જાહેર તમાશો બનાવી દેવો તે કેટલા અંશે યોગ્ય છે તે તમે વિચારજો. આવાં અંગત દુખના પ્રસંગને અંગત માણસો સાથે વિતાવવામાં આવે તે જ તેનું ગૌરવ છે. મરનારના ચક્ષુઓ અને તેમના શરીરનું દાન કરવું જોઈએ. એક વ્યક્તિના ચક્ષુદાનથી બે વ્યક્તિઓને દૃષ્ટિ મળેછે. કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે ત્યારે તો તેનાં ઘણાં અંગો બીજાં દર્દીઓના કામમાં આવતાં હોયછે. માણસ જીવતો હોય ત્યારે તો બધાનાં કામમાં આવતો હોયછે પણ મર્યા પછી પણ કોઈનાં કામમાં આવે તેનાથી મોટી વાત કઈ હોઈ શકે ? આના કરતાં ઉત્તમ દાન બીજું કયું હોઈ શકે ? કોઇપણ વ્યક્તિ પોતે જીવતી હોય ત્યારે ચક્ષુ અને બોડીના દાન માટે ઘોષણાપત્ર ભરીને પોતાની ઈચ્છા જાહેર કરી શકેછે. આ માટે તમારાં શહેરની સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી શકાય. ચક્ષુદાન માટે રેડક્રોસ સોસાયટી વર્લ્ડ લેવલે કામ કરેછે.

&&&

***

રેટ કરો અને રિવ્યુ આપો

Janki 3 માસ પહેલા

Manhar Oza 5 માસ પહેલા

Sunhera Noorani 5 માસ પહેલા

Hitanshi Shah 5 માસ પહેલા

Manjula 5 માસ પહેલા