સંબંધોની બારાક્ષરી - 8

(૮)

પડોશીનો પ્રેમ  

        ઈશુએ કહ્યું હતું કે પડોશીને પ્રેમ કરો. એક કહેવત છે કે ‘પહેલો સગો પડોશી’ પડોશીને પ્રેમ કરવો જોઈએ, પાડશી સાથે ભાઈચારો રાખવો જોઈએ, પડોશીને મદદ કરવી જોઈએ વગેરે વગેરે વાતો આપણે સંભાળી કે વાંચી હશે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં પડોશમાં કોણ રહેછે તેની જાણ મોટાભાગના લોકોને હોતી નથી. પહેલાં કરતાં અત્યારે પડોશી સાથેના સંબધોમાં ઓટ આવીછે તે વાત આપણે સહુએ સ્વીકારવી પડશે.

        ફ્લેટની સિસ્ટમે માનવીના મનના દરવાજા પણ બંધ કરી દીધાં છે. પંદર વીસ વર્ષ પહેલાં લોકો પડોશી સાથે ઘર જેવો સંબધ રાખતાં હતાં. સારા-માઠા પ્રસંગે એક બીજાને મદદ કરતાં હતાં. વાર-તહેવારે એક બીજાને ઘેર જવાનું, પાડોશીની સાથે ફરવા જવાનું, એક-બીજાના છોકરાંઓને સાચવવાં, સાથે શક-ભાજી ખરીદવા જવાનું, ભેગાં થઈને ખાખરા-પાપડ વણવા, ઘઉં-ચોખા સાફ કરવાં, અથાણાં આથવા વગેરે કામ ભેગાં મળીને કરતાં હતાં. પડોશી સાથે આપણે વધારે સંબધ ન રાખીએ કે ન બોલીએ તે સમજી શકાય તેવી વાત છે પરંતુ તેની સાથે ગાઢ સંબધ રાખીને તેની ઈર્ષા કરીએ તે કેટલે અંશે વાજબી છે ?

        બે પડોશીઓની એક વાર્તા યાદ આવેછે. રમેશ અને મહેશ બે પડોશી હતાં. મહેશનો સ્વભાવ ઈર્ષાળુ હતો જયારે રમેશ સરળ સ્વભાવનો હતો. મહેશ ભગવાન શિવનો ભક્ત હતો. તેણે તપસ્યા કરીને શિવને રીઝવ્યા. શિવજીએ પ્રસન્ન થઈને વરદાન માગવાનું કહ્યું. મહેશે ભગવાન પાસે ત્રણ વરદાન માંગ્યા. આ વરદાન મુજબ મહેશ ત્રણ ઈચ્છાઓ પૂરી કરી શકે. શિવજીએ મહેશને ત્રણ વરદાન આપ્યાં અને જણાવ્યું કે તું આ ત્રણ વરદાન દ્વારા જે કઈ માગીશ તેનાથી ડબલ તારા પડોશી રમેશને મળશે. આ વાત મહેશને ગમી નહિ પરંતુ ભગવાનની સામે બોલવાની તેની હિંમત ચાલી નહી.

        મહેશને વરદાન મળવાથી તે ખુશ હતો. તેની પત્ની એ વાતથી ખુશ હતી કે હવે તેમને ગરીબીથી છુટકારો મળી જશે. મહેશની પત્નીએ મહેશને વરદાન માગવાનું કહ્યું. મહેશ પણ વરદાન માગવા તૈયાર થયો. મહેશને ચિંતા એ વાતની હતી કે તેના પડોશી રમેશને આ વરદાનનો લાભ થશે અને તે પણ મફતમાં. કેમકે વરદાન મેળવવા માટે રમેશે તો કશું કર્યુંજ ન હતું. ખુબજ વિચાર કર્યા પછી મહેશે તેનું પહેલું વરદાન માગ્યું. “ હે શિવજી મને પહેલું વરદાન એ આપો કે મારો એક પગ તૂટી જાય.” તરતજ વરદાનની અસર થઇ. મહેશ એક પગે લંગડો થઇ ગયો. તે સાથેજ તેની પડોશમાં રહેતો રમેશ બે પગે લંગડો થઇ ગયો. મહેશે બીજું વરદાન માગ્યું. “ હે શિવજી મારી એક આંખ ફૂટી જાય.” તે સાથેજ મહેશની એક આંખ ફૂટી ગઈ અને તેનાં પડોશી રમેશની બંને આંખો ફૂટી ગઈ. આ બધું જોઈ રહેલી મહેશી પત્ની ગભરાઈ ગઈ. મહેશે તેની પત્નીને વરદાનની શરત સમજાવી.

        મહેશની એક આંખ અને એક પગ નકામા થઇ ગયાં હતાં તોયે મહેશને તે વાતનું દુઃખ ન હતું. તે તો તેનાં પડોશી રમેશના દુઃખથી ખુશ હતો. બંને પગે અપંગ અને બંને આંખે આંધળા રમેશને જોઈને મહેશને વિકૃત આનંદ આવતો હતો. થોડાક દિવસો સુધી તો મહેશ ખુશ રહ્યો પરંતુ ધીમે ધીમે તેને ખ્યાલ આવ્યો કે અપંગ હોવું તે કેટલું કષ્ટદાયક હતું. તેની પત્નીએ પણ તેને સમજાવ્યો કે બીજાનું ખરાબ કરવાં જતાં તમારું પણ ખરાબ થયુંછે. મહેશને પસ્તાવો થયો. તેણે ત્રીજું વરદાન માગ્યું. “હે શિવજી પહેલાં બે વરદાન માંગવામાં મારી ભૂલ થઇ ગઈ છે, હવે મને ત્રીજું વરદાન આપ. મને પહેલાની જેમ સાજો-સારો કરીદે.” તે સાથેજ મહેશ પહેલાં જેવો સ્વસ્થ થઇ ગયો અને તેનો પડોશી રમેશ પણ સાજો થઇ ગયો.

        મહેશે કરેલું તપ એળે ગયું. તેની બધીજ મહેનત પાણીમાં ગઈ. મહેશ સારાં સારાં વરદાનો માગીને અમીર બની શક્યો હોત. તેની સાત પેઢી તરી જાય તેટલું ધન તે મેળવી શક્યો હોત. તમને શું લાગે છે ? એક પડોશી પોતાનાથી આગળ ન વધી જાય તેવી ઈર્ષાને કારણે મહેશે મળેલી તક ગુમાવી. તેનીજ ઈર્ષા તેની દુશ્મન બની. કદાચ તેનો પડોશી તેનાથી વધારે અમીર કે વધારે સુખી થયો હોત તો શો વાંધો હતો !

        છળ-કપટ, વેર-ઝેર, ઈર્ષા, લોભ-લાલચ આ બધું એક દિવસ માણસને બરબાદ કરી નાખેછે. આ બધાં એવાં હથિયારો છે જે બીજાને તો નુકસાન કરજ છે સાથે સાથે વાપરનારને એટલુંજ નુકસાન કરેછે. હવે જમાનો બદલાયો છે. બદલાતાં સમયની સાથે દરેક વ્યક્તિએ બદલવું જોઈએ. આજની ફાસ્ટ લાઈફમાં જયારે ઘરની દરેક વ્યક્તિ કામે જતી હોય ત્યારે પડોશીઓ સાથે ઘરોબો કેળવી ન શકાય તે સમજી શકાય તેવી બાબત છે. આવાં સમયે ભલે આપણે પડોશી સાથે ઘર જેવાં સંબધો ન કેળવી શકીએ કે વાટકી વહેવાર ન રાખીએ પણ સુખ-દુઃખમાં એક બીજાને સાથ તો આપી શકીએને ! વારે-તહેવારે કે એક-બીજાના સારાં-માઠા પ્રસંગોએ તો તેમની પડખે ઉભા રહી શકીએને ! જો આપણે આટલું પણ ન કરી શકતાં હોઈએ તો પણ વાંધો નથી. પરંતુ પાડોશીની ઈર્ષા કરીશું તો તે સરવાળે તો આપણને જ નુકશાન કરશે. જો પડોશીઓ સાથે સંબધો ટકાવવી રાખવાં હોય તો ઈર્ષા સાથેના સંબધો તોડી નાખો.  

Email- ozamanhar@yahoo.com

 

 

 

 

***

રેટ કરો અને રિવ્યુ આપો

Nisha Jani 6 માસ પહેલા

Abhishek Patalia 6 માસ પહેલા

Jasmita 7 માસ પહેલા

Ashvin Magan Bhai 7 માસ પહેલા

Sunhera Noorani 8 માસ પહેલા