Second choice books and stories free download online pdf in Gujarati

સેકન્ડ ચોઇસ - (પાર્ટ-1)




રાજકોટના રેસકોર્ષની એક સાંજનું દ્રશ્ય.......

ધૂંધવાયેલી પાયલ રોષથી રેસકોર્ષની લીલીછમ લૉન પર  પગ પછાડતી આંટા મારી રહી હતી. તેનાં ગુલાબી ગાલ આજે ગુસ્સાને કારણે લાલાશ પકડી ગયાં હતાં. આથમતા સુરજના કિરણોને કારણે  પિંક કલરના સલવાર કમીઝ પણ હવે પાયલને સાથ આપવા પોતાનો રંગ બદલવાની તૈયારી કરતાં દેખાયાં. પાયલની સોનેરી અલક લટ પવનને કારણે વારે ઘડીએ તેનાં તીખા દેખાતાં અણીદાર નાક સાથે રમત કરવા ધસી આવતી  હતી.....સપ્રમાણ દેહ લાલિત્ય ધરાવતી પાયલ એટલી ધ્યાનાકર્ષક ભાસતી હતી  કે કોઈ પણ ઘાયલ થઈ જાય.  
અને આ પાયલ શહેરના નામાંકિત વેપારી નારણશેઠની એક ને એક લાડકી દિકરી. હાલ તો આ બ્યુટી વિથ બ્રેઈન કૉલજમાં અભ્યાસ કરી રહી છે પણ આજે  એ રેસકોર્ષ પર મળવા આવી છે એનાં જ ક્લાસના હેન્ડસમ હંકને. અને તેના હેન્ડસમ હંકને એટલે કે રોહિતને આવવામાં ઘણું મોડું થઈ ગયું છે એટલે સ્વાભાવિક રીતે પ્રેયસીને જે ગુસ્સો આવવો જોઈએ એનાથી થોડો વધારે ગુસ્સો અત્યારે પાયલને આવી રહ્યોં છે.
( કેમ ?) (અરે, કહું છું મિત્રો થોડી ધીરજ તો ધરો....)

'હાઇ ! પાયલ...' બોલતો ડાર્ક કોફી કલરનું જીન્સ અને લેમન યલો કલરનું ટિ શર્ટ પહેરેલો રોહિત લગભગ ધસમસતો  આવ્યો.

'હાઇ , નહીં હવે બાય બોલવાનો સમય થઈ ગયો છે.' રોહિતના કસરતથી કસાયેલા શરીર સામે નજર નાખી   ફૂંગરાયેલી પાયલે ફૂંફાડો મારી પોતાની લક્ઝરી રિસ્ટવૉચ પર આંગળીથી ટકોરા મારી રોહિત તરફ કાંડુ ઘુમાવ્યું.

'કમ ઑન સ્વિટી,નારાજ ન થા. જો પેલા ગેટ પાસે..'રોહિતે  આંગળી ચીંધીને ગેટ બતાવ્યો.'..  મારાં એક વડિલ ઉભા હતાં. મારે એમની નજરે ચડવું નહોતું. એ કલટી મારે તો હું અંદર આવું ને! નહીંતર ખાલીપીલી ખોટા ખુલાશા કરવા પડત.' 

'આ કાઈ તારૂં બહાનું છે?' પાયલનો ચહેરો ગુસ્સાથી વધારે તમતમ્યો..'કદાચ એ વડિલ તને અને મને સાથે જોઈ પણ લ્યે તો ક્યું આભ તુટી પડવાનું હતું?'

'ના પાયલ,એવું નથી..તને તો મારા સ્વભાવની ખબર છે.'

'હા, ડરપોક છો.'પાયલે પંચ માર્યો

'પ્રાયવસીને ડરપોકપણું ના કહેવાય.' રોહિતનો અવાજ એને પોતાને રોતલ લાગ્યો. 

'તું કૉલેજમાં, મિત્રોમાં પણ આપણાં સબંધને જાહેર કરવા માંગતો નથી. એટલે છેલ્લાં છ મહિનાથી આપણે આવી રીતે બહાર અલગ અલગ જગ્યાએ જ મળીએ છીએ. તું મને પણ મારા ઘરમાં કોઈને જાણ કરવાની મનાઈ કરતો રહ્યો છે. અને અત્યારે તું કોઈ વડિલ સાથે સંતાકૂકડી રમતો રમતો મને મળવા આવે છે...તને ડર શેનો લાગે છે?' પાયલે બધા જ જવાબ મેળવવા મરણીયા પ્રયાસો આદર્યા.

'યોગ્ય સમય પહેલા ઉતાવળ કરવાથી ધારેલાં કામ નિષ્ફળ નીવડવાના ચાન્સીસ વધારે હોય છે.  અને મારે નિષ્ફળ થવું  નથી.'

'એટલે તું આજ રીઝનથી  મારા પપ્પા-મમ્મીને મળવાનું  એવોઈડ કરી  રહ્યો છે ?'

 જો પાયલ, હું તારા પપ્પા જેટલો તાલેવંત નથી મિડલ ક્લાસ પર્શન છું અને તને કાંઈ પ્રોબ્લેમ્સ ના પડે એની કાળજી રાખું છું.એક્ઝામ પુરી થાય અને એક સરસ નોકરી મળી જાય એટલે આ બંદો તારા પપ્પા પાસે આવીને  વટ ભેર તારી માંગણી કરશે.' રોહિત પશ્ચિમ દિશામાં દેખાતી સંધ્યાની રંગોળીમાં પોતાની રંગોળી પણ રચી રહ્યો હતો.

'ઓ મુંગેરીલાલ કે હસીન સપને ! ' પાયલ ચીડાઈ પડી,'તું સપનાં જોવાનું બંધ કર અને નોકરીના ચક્કરમાંથી બહાર આવ.મારા પપ્પાને પોતાનો કારોબાર સંભાળી શકે એવા યુવાનની જરૂર છે.લગ્ન બાદ તારે પપ્પાને અને એના બિઝનેસને સંભાળવાના  છે.' પાયલે રોહિતના સપનાની રંગોળી પર વાસ્તવિકતાના વાઘા પહેરાવાનું મુનાસીબ સમજ્યું હતું.

'એ શક્ય નથી..મારું ઝમીર મને એવું પગલું ભરતા રોકે.'

'ફિલોસોફીમાંથી બહાર આવ તું ક્યાં જમાનાની વાત કરે છે? હવે કોણ આવી વેવલાઈ ભરી વાત કરે છે? તું જે ઝમીરની વાત કરે છે એને તો જરુરિયાત નામની જક્ષણી ઘણાં સમય પહેલાં ચાવી ગઈ છે. '

'હું કરું છું ને! અને બીજા યુવાનોની સાથે મને કમ્પૈર ના કર.બાપને પૈસે તાગડધિન્ના કરતાં યુવાનોથી હું અલગ છું અને સ્વબળે મળે એ જ મને પસંદ છે.' આત્મસન્માનનો કેફ રોહિતના અવાજમાં છલકાઈ રહ્યોં હતો.

' પુસ્તકોમાં રહેલા સ્વાવલંબનના કિડા તારા મગજમાં ચડી ગયાં છે. આંખો ખોલીને જો, રિયાલિટિને એક્સેપ્ટ કર અને સાંભળ તને આજે એ કહેવા માટે બોલાવ્યો છે કે આવતીકાલે એક NRI મુરતિયો મને જોવા માટે આવે છે.'  પાયલે  'જોવા' બોલવા પર ભાર આપીને જમણાં હાથને માથાથી કમર સુધી લહેરાવ્યો.

 'તો જોઈ લેવા દે ને !. ઈન્ડિયન બ્યુટી અને તહેજીબનો સુંદર સમન્વય એને બીજે ક્યાં જોવા મળવાનો છે!' રોહિતે બેફિકરાઈથી હોઠ ભેગા કરી હળવી સીટી વગાડી.

'વૉટ ડૂ યુ મિન ?'

'મતલબ સાફ છે.ભલે ને એ NRI જોવા આવે. પણ હા કે ના તો તારે જ કહેવાની છે. અને તારો શું જવાબ હશે એ તો મને ખબર છે.' પોતાની ઘટાદાર ઝુલ્ફોમાં હાથ પસવારતા રોહિતે આંખ મીંચકારી.
 
પાયલ સ્વગત બબડી..'આ બબૂચકને મારી લટ સાથે રમવાની ક્યારે ખબર પડશે ?' પણ પ્રગટપણે તો રોહિતને  ચીડવવા બોલી ,.'તને શું ખબર ? કદાચ હું એને પસંદ પણ કરી લઉં !.'

રોહિતના ચહેરામાં રતીભાર ફેરફાર ના થયો.સહેજ ખભા ઉલાળીને બોલ્યો,' તો દેખતે હૈ .' થોડીવાર અપલક નજરે પાયલને તાકી રહ્યોં અને પછી  હ્રદયના ઉંડાણેથી બોલતો હોય એમ સ્ફૂર્યો,' મારી પાયલને મારાથી વધારે ચાહી શકે એવાં મજનુ તો કદાચ મળી જશે પણ  પાયલ રોહિતને છોડીને બીજાને ચાહી શકે? એ વાત....' પાછો અસલ રંગમા આવી ગયો રોહિત અને ઉમેર્યું,'  ચાલ એ વાત પર બૅટ લગાવીએ.' 

દુર ક્ષિતિજે હવે સંધ્યાને બદલે નિશા ચૂપકીદીથી આવીને બેસી ગઈ હતી. અને થોડી દુર એક સાહિત્ય રસીકોની જામેલી બેઠકમાં એક ગજલના શેર હવામાં લહેરાઈ રહ્યા હતા.......
"યૌવનમાં એક રેશમી સાહસ કર્યુ હતું,
કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી.
પુછો ના પ્રિત મોંઘી છે કે સસ્તી દોસ્તો ,
ચૂકવી દીધા છે દામ , હવે બોલવું નથી."


********************************************
(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED