ચિંતનીય વિષય - ચિંતનીય વિષય ધારા-૧ अजय रावल દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતનીય વિષય - ચિંતનીય વિષય ધારા-૧

આપણે સૌ આપણા જીવનમાં જે સ્થાનને પ્રાપ્ત કરેલ છે તે માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા ગુરુજનો કારણ છે અને માટે ગુરુનું સ્થાન ભારતીય સનાતન સંસ્કૃતિમાં સર્વથી ઊંચું તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન ગણવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં વિદ્યાર્થી શબ્દ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ થાય કે જે વિદ્યાનો અર્થી એટલે ઇચ્છુક છે. તે વિદ્યાની પ્રાપ્તિ આપણે આપણા પૂજ્ય ગુરુજનો પાસેથી મેળવીએ છીએ. પહેલાના સમયમાં અને અત્યારે પણ કેટલાક ગામડાઓમાં શિક્ષકો માટે *માસ્તર* સંબોધન વાપરવામાં આવે છે. જેનો શાબ્દિક અર્થ થાય છે માના સ્તર સુધી પહોંચેલા. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ અરે! બે છોકરાના મા કે બાપ બની જઈએ છતાં આપણે આપણી મા માટે તો નાના જ છીએ અને તે મા માટેનું સ્થાન આપણા હૃદયમાં* માન સન્માન ભરેલું હોય છે. આપણા હૃદયમાં આપણા પૂજ્ય ગુરુજનો માટે પણ તે જ આદર અને પૂજ્ય ભાવ હોવો જોઈએ. પછી આપણે મોટા કલેક્ટર બની જઈએ કે દેશના વડાપ્રધાન ! વિદ્યા વિનયથી શોભે છે. આ માટે આ સૂત્રનું વારંવાર રટણ પૂરતું નથી, વ્યાખ્યાન પણ પૂરતું નથી. આપણી મર્યાદા અને ક્ષમતામાં તેને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા આપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતાજીમાં કહે છે કે હે અર્જુન મારે કોઈ કર્મ કરવાનું રહેતું નથી, છતાં હું કર્મશીલ રહુ છું, કારણ કે સમાજમાં આદર્શ વ્યક્તિઓના આચરણને જોઈને લોકો તેને અનુસરે છે. એટલે આપણે પણ શિક્ષક તરીકે એવું વર્તન આચારીએ કે જેથી આપણા વિદ્યાર્થીઓ તેમાંથી કાંઈક શ્રેષ્ઠ શીખે. આપણે આપણા વિદ્યાર્થી પાસેથી જેવા વર્તનની અપેક્ષા રાખતા હોઇએ આપણે પણ વિદ્યાર્થી તરીકે તેવું જ વર્તન કરવું જોઈએ.

ચિંતનીય વિષય
ધારા-2
અગાઉના ચિંતનીય વિષય લેખમાં વ્યક્તિના જીવનમાં શિક્ષકનું શું સ્થાન હોવું જોઈએ ? તે વિષય પર પ્રકાશ પાડવામાં આવેલ આજના આ વિષયમાં વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? તે વિષય પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મૂલતઃ વિદ્યાર્થી શબ્દની સંધિ છૂટી પાડીએ તો વિદ્યા+અર્થી એમ બને જેનો શબ્દાર્થ થાય જે વિદ્યાનો અર્થી છે એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જે ઇચ્છુક છે તે વિદ્યાર્થી. શ્રીમદ્દ ભગવદ્ ગીતા અનુસાર વિદ્યા પણ બે પ્રકારની છે.1) પરા વિદ્યા અને 2) અપરા વિદ્યા. અપરા વિદ્યા એટલે જેમાં દુન્યવી(દુનિયાને લગતું) જ્ઞાન પ્રાપ્ત થાય જ્યારે પરા વિદ્યા દુનિયાથી આગળ તેના કારણભૂત તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. આધુનિક જગતમાં વર્તમાન સમયમાં આપણે સૌ માત્ર અપરા વિદ્યાનું જ્ઞાન મેળવીએ છીએ કે આપીએ છીએ. બંને પ્રકારના જ્ઞાન/વિદ્યાની જરૂરિયાત પોતપોતાના ક્ષેત્ર મુજબ રહેલી છે તેમ છતાં પણ પરા વિદ્યા કરતાં અપરા વિદ્યાનું સ્થાન કંઈક સવિશેષ રહેલું છે. બંને વિદ્યાના વિદ્યાર્થીમાં જરૂરી એવા એક સામાન્ય ગુણ ની વાત કરીએ તો તે છે *વિનય/વિનમ્રતા.* વિદ્યા વિનયથી શોભે છે તે સૂત્ર આપણે સૌ રટણ કરતાં હોઈએ છીએ. પણ ઉપદેશ આચરણમાં ઉતરે તો જ તે શ્રેષ્ઠ છે. બાકી તો વાતોના વડા કરે કોઈ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી. આમ વિદ્યાર્થીમાં વિનમ્રતાનો ગુણ વિદ્યા પ્રાપ્તિનો સૂચક છે. વિનયી વ્યક્તિ અશક્ત કે નાનો છે તેવું નથી હોતું. વિનયી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ સરળ, સહજ રીતે થઈ શકે છે. વિદ્યા પ્રાપ્તિના લોભે પણ વિનમ્રતાનો ગુણ આપણામાં ઉતારવા પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે તે હૃદયસ્થ થઈ શકશે. પહેલાના સમયમાં ગુરુજનોને પ્રણામ કરવાની પદ્ધતિ હતી. તેમાં પણ ગુરુજન પ્રત્યેના આદર, માન અને ભાવની અભિવ્યક્તિ થતી હતી. અત્યારે કાંઈ પગે લાગવું કે પ્રણામ કરવા જરૂરી નથી એવું ન કહી શકાય પરંતુ તેનાથી સવિશેષ મનના ભાવની મુખ્યતા રહેલી છે. મનમાં ભાવ ન હોય તો ક્રિયા માત્ર યંત્રવત્ થાય. શિક્ષણના વ્યવસાયમાં જોડાવાની ઈચ્છાથી તાલીમ લેતા આપણે સૌએ આ ગુણ આપણાં વિદ્યાર્થીમાં આવે તે માટે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ તથા એવું ભાવાવરણ ઘડવું જોઈએ અને તે પહેલા તે આપણા આચરણમાં આવે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

ચિંતનીય વિષય
ધારા-3
અગાઉ બે લેખ પ્રસિદ્ધ કરેલ જેમાં પહેલા લેખમાં શિક્ષકનું સ્થાન શું? તે વિષે જણાવવામાં આવેલ જ્યારે બીજા લેખમાં વિદ્યાર્થીના લક્ષણ વિષે જણાવેલ. આજના આ ત્રીજા લેખમાં વિદ્યાર્થીના બીજા એક ગુણ વિષે ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીમાં અતિ મહત્વનો એક ગુણ જે વિદ્યાર્થીને વિદ્યાર્થી બનાવે છે તે છે *અધ્યયન તત્પરતા* અથવા *શીખવાની ધગશ* વિદ્યાર્થીને અધ્યેતા પણ કહેવામાં આવે છે તે માટે અધ્યયન ક્રિયાપદ જવાબદાર છે એટલે કે અધ્યયન કરે તે અધ્યેતા. આમ વિદ્યાર્થીમાં શીખવાની વૃત્તિ હોવી ખૂબ આવશ્યક છે. કઈંક નવું શીખતાં રહેવું તે વિદ્યાર્થી માત્રનો સ્વભાવ હોવો જોઈએ. કઈંક શીખવામાં સારું અને હકારાત્મક જ ! ખોટું કે નકારાત્મક શીખવાની વાત અહીં કરવામાં આવતી નથી. આ અધ્યયન માટેની તત્પરતા વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ મહત્વનું પાસું છે. વિદ્યાર્થી પાસે ટેકનોલોજીના અતિરેકના કારણે હવે સ્વ-અધ્યયનનો ઘણો મોટો અવકાશ છે. આંગળીના ટેરવે વિશ્વભરનું જ્ઞાન તમારી હથેળીમાં સમાઈ જાય તેવી ક્ષમતા મોબાઈલ જેવા યંત્રમાં છે. તે ટેક્નોલોજીકલ જ્ઞાનને હકારાત્મક તથા સંરચનાત્મક માર્ગ તરફ વાળવાની જરૂરિયાત છે. શિક્ષક બનવાની અભિલાષાથી પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓ એ શિક્ષક બની ગયા પછી પણ વિદ્યાર્થી બની રહેવા આજીવન પ્રયત્ન કરવો જોઈએ. *એક શિક્ષક આજીવન વિદ્યાર્થી બની રહે છે.* આ વિધાન આપે ક્યાંક ને ક્યાંક કદાચ સાંભળ્યું હશે. તેનો અર્થ એ નથી કે કોઈ કોલેજ કે યુનિવર્સીટીમાં જઈને કોઈ કોર્સમાં જોડાવું, પરંતુ એનો અર્થ એ થાય કે પોતાની અંદર અધ્યયન તત્પરતા કાયમ રાખવી. ઉંમર, જ્ઞાન કે અનુભવમાં મોટા થયા બાદ પણ કોઈ નાનું બાળક આપણને કંઈકને કઈંક શીખવી શકે છે તો તેની પાસેથી પણ શીખવું. તેમાં ઉપરોક્ત કોઈ પરિબળ અસર નથી કરતું.
આશા છે કે આપ સૌ પણ પોતાનામાં વિદ્યાર્થીને જગાવશો અને કાયમ જાગતો પણ રાખશો.

આપને આ ચિંતનીય વિષય ધારા કેવી લાગી તે ચોક્કસ પણ જણાવજો. આગળ અન્ય ધારામાં શિક્ષક અને વિદ્યાર્થી ના સંબંધ તથા શિક્ષકમાં તથા વિદ્યાર્થીમા જરૂરી એવા ગુણો અને કૌશલ્યોની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ અંગે આપણા કોઈ સૂચનો હોય તો તે આવકાર્ય છે.આ ધારાનો મુખ્ય હેતુ બી.એડ.ના તાલીમાર્થીઓ તેમજ શિક્ષક તરીકે સેવા આપતા વ્યક્તિઓને શિક્ષક અને વિદ્યાર્થીમા 21મી સદી માટે શું જરૂરી છે તેના ઉપર ધ્યાન આપવામાં આવેલ છે. 21મી સદી નો શિક્ષક કોઈ પણ રીતે પાછળ ન રહેવો જોઈએ આ માટે તમામ લોકોએ સંકલ્પબદ્ધ થવું જ રહ્યું.

અજય રાવલ.
જય શ્રી કૃષ્ણ