Four short stories books and stories free download online pdf in Gujarati

ચાર ટૂંકી વાર્તાઓ

ચાર માઈક્રોફિક્શન વાર્તાઓ

(ટૂંકી વાર્તાઓ )

(1) - કવિ

કોલેજનો યુવક મહોત્સવ ચાલી રહ્યો છે.એક' હીરો' તરીકે જાણીતા વિદ્યાર્થીનું નામ નામ ગાયક તરીકે જાહેર થયું એટલે સોનો માનીતો પૂર્વ ગૌરવભરી છટાથી હાસ્યથી સોને એક હાથ ઊંચો કરી 'હલો 'કરતો સ્ટેજ પર આવ્યો .તેના લાંબા ઝુલ્ફા આમતેમ હવામાં ઊડતા હતા .કાળા ટાઈટ જીન્સ પર ક્રીમ રંગનો ઝભ્ભો અને ખભા પર લાલ ખેસ હતો. ચર્ચાસભામાં એનું વ્યક્તવ્ય સાંભળવા કોલેજનો હોલ ભરચક થઈ જતો.એના ઘૂંટાયેલા ધેરા બુલંદ અવાજમાં એવી મોહિની હતી કે સૌ મંત્રમુગ્ધ થઈ જતા.બે બહેપણીઓ રીમા અને માયા તેની પાછળ ધેલી હતી. પૂર્વના ઘેધુર કંઠમાંથી ગઝલ ગવાઈ રહી છે.....

બદલાઈ બહુ ગયો છું હું, તમને મળ્યા પછી મારો મટી ગયો છું હું, તમને મળ્યા પછી મારું હતું શું નામ મને કોઈ તો કહો, એ પણ ભૂલી ગયો છું હું તમને ..

તમને મળ્યા પછી મેં મુજ શ્વાસને સૂંઘ્યા, સૌરભ બની ગયો છું હું, તમને ..પથ્થર હતો તેથી નિંદા થતી હતી, ઈશ્વર બની ગયો છું તમને મળ્યા પછી.

(કવિ પુરુરાજ જોશી )

તાળીઓના ગડગડાટથી હોલ ગૂંજી ઊઠ્યો .

રીમા બોલી :'મારા માટે પૂર્વે ગાયું ' રીમા દેખાવડી અને સ્માર્ટ હતી એને એમ વહેમ હતો કે પૂર્વ તેને ચાહે છે।

માયા વારંવાર પૂર્વ સાથે કવિતાની ચર્ચા કરતી કલાકો સુધી તેઓ સાથે વાચતાં એટલે તેણે કહ્યું 'પૂર્વ મારા માટે ગાતો હતો.'

પૂર્વ સ્ટેજ પરથી ઊતરી નીચે આવ્યો, એને મળવા રીમા, માયા અને બીજી ઘણી છોકરીઓ ગઈ. તેણે બધાંયની વચ્ચેથી મધુરા સ્મિતથી રસ્તો કર્યો અને ખાસ મહેમાનોની વચ્ચે બેઠેલા બુઝર્ગને પ્રણામ કરી ઊભા કરી કહ્યું:

આ ગઝલના રચયિતા કવિશ્રી પુરુરાજ જોશીને માટે મેં ગાયું છે.મારા જીવનને બદલનાર, મારા ગુરુ' ફરીથી તાળીઓ પડી..

***

(2) - 'અધૂરી ઓળખ '

12.45ની બાર્ટ ટ્રેનમાં માલતી તેની દીકરી અને ત્રણ વર્ષની ગ્રાંડડોટર સાથે કેલિફોર્નિયાના બે એરિયાના ઓકલેન્ડ સ્ટેશનથી સાનફ્રાન્સીસકો જઈ હતી.

બપોરની ટ્રેનમાં બેસવાની મોકળાશ હતી.

તેમની સીટની સામેની સીટમાં બે દીકરીઓ સાથે યુવાન મા બિન્દાસ હસતી બેઠી હતી.એની એક દીકરી એની બાજુની સીટમાં સેલ ફોન પર ગેમ રમતી હતી.નાની સ્ટ્રોલરમાં બેસી આવતા જતા સૌને હાથ ઉચા કરી કિલકારી કરતી હતી. માલતીની ત્રણ વષર્ની ગ્રાંડડોટર તેની સાથે રમવા જિદ કરતી હતી પણ એની મમ્મીએ હાથ પકડી રાખ્યો હતો.

એટલામાં એક જરા મેલું ભૂરા રંગનું જેકેટ અને કાળું પેન્ટ પહેરેલો શ્યામ યુવાન મઝાક કરતો હોય તેમ સૌને 'હાય, બ્યુટીફૂલ ડે ' કહી બારી પાસે બેઠો. સૂર્યના પ્રકાશમાં ઓકલેન્ડની લીલીછમ ટેકરીઓ નયનરમ્ય લાગતી હતી પણ માલતી તો યુવાનના વિચારમાં હતી, માણસના પહેરવેશ અને હાલચાલ ઉપરથી તેની સજ્જનતાનું મૂલ્ય કરવાની આદત મોટાભાગનાંના મનમાં ઘર કરી ગયેલી હોય છે. માલતીની દીકરીએ પોતાની છોકરીનો હાથ સખત રીતે પકડી રાખ્યો.

પેલા યુવાનને બાળકોની સામે ફની ફેસ બનાવી હસાવવાની મઝા આવતી હતી.યુવાન મા અને તેની દીકરીઓ વિનામૂલ્યે મળતા

મનોરંજનને માણતા હતાં.બાર્ટમાં કોઈ સાથે ઝાઝી લપ્પનછપ્પન કરવી સારી નહિ, કોને ખબર કેવા ય માણસો હોય એવું વિચારતું

માલતીનું કુટુંબ હસવાનું પરાણે રોકીને સંકોચાઈ બેસી રહ્યું.પેલા યુવાનના દેખાવ પરથી હોમલેસ હશે તેમ માલતીએ વિચાર્યું. યુવાન તો એની મસ્તીમાં હતો, બધાં બાળકો સાથે રમતો હતો. માલતીના કુટુંબની તેના પ્રત્યેની ઉપેક્ષા તરફ તેનું લક્ષ્ય નહોતું.

યુવાને એના જેકેટના ખિસ્સામાંથી ચુંઈગગમનું પેકેટ સ્ટ્રોલરમાં બેઠેલી બાળકીની સામે ધર્યું, માલતી મનોમન બોલી ઉઠી, 'ના લેવાય, અજાણ્યાએ આપેલી વસ્તુ ના ખવાય '. એ માની જ શકતી નહોતી કે યુવાન માતાએ પેકેટમાંથી ત્રણ ગમ લઈ, રેપર ખોલી દીકરીઓને આપી અને પોતે પણ ખાધી.પછી નાની દીકરીને કહ્યું 'સે થેંક્યુ ' એ ચારે જણ ગમ ચગળતા હતાં અને માલતીની ગ્રાન્ડડોટર એની મમ્મીએ આપેલી કેન્ડી નાખી દઈ ગમ માટે રડતી હતી.પેલા યુવાને ગમનું પેકેટ માલતીની સામે ધર્યું,

હવે શું કરવું ? કમને એણે ગમ લીધી.એટલામાં સાનફ્રાન્સિસ્કોનું સ્ટેશન આવી ગયું.યુવાને સાચવીને સ્ટ્રોલર બહાર કાઢી આપ્યું , બન્ને બાળકીઓને હળવેથી હાથ પકડી ટ્રેનમાંથી ઉતારી સૌને ફ્લાઈંગ કિસ આપી બાય કર્યું..યુવાન માતા તેનો આભાર માની ઊભી હતી ત્યાં મુકત પંખીની જેમ યુવાન પોતાની ધૂનમાં ઊડી ગયો.માલતી હાથમાંની ગમને પેલા ભલા માણસની આંખો હોય તેમ જોતી રહી.ગમને ગારબેજમાં નાંખી દેતા એનો અંતરઆત્મા કોસતો હતો.તેણે ધીરેથી રેપર ખોલી પોચી સફેદ ગમની સ્ટીકની મીઠ્ઠી સુગંધને માણી, તેમાંથી અડધી રડતી પૌત્રીને આપી અને અડધી પોતાના મોમાં કયાંય સુધી ચગળતી રહી .

***

  • (3) - ‘માનો પાલવ '
  • ઓફિસથી આવી કામિની બેડરૂમમાં જઈ કપડાં બદલતી હતી ત્યાં નિશા આવી એને વળગી રડવા લાગી, 'મમ્મા, ભૂખ લાગી છે, બાઈજીએ પૂરીઓ નાનકાને ખવડાવી દીધી, મારે પૂરીઓ ખાવી છે.' કામિનીએ એને વહાલ કરી કહ્યું , ' ઓ.કે. સહેજ વાર તું નીચે ટી .વી. જો, હું આવું છું.'
  • તે ઓફિસથી થાકીને આવી હતી. આજે મીટીગને કારણે તેને પણ લંચ કરવાનો સમય મળ્યો નહોતો, એક તો કકડીને ભૂખ લાગી હતી ને તેમાં નિશાની રોકકળ, તેનો મિજાજ બગડ્યો, સાંજની રસોઈમાં મદદ કરતી બાઈજી પર બરોબરનો ગુસ્સો આવ્યો.'એના છોકરાને પૂરીઓ ખવડાવી દીધી, મને પૂછવાનું પણ રાખ્યું નહિ, મોટી માલીકણ થઈ ગઈ! મારી છોકરી પૂરીઓ માટે રડે છે.આજે તો બાઈજીને સીધીદોર કરીને જ જંપીશ.મેં એને ઘરના જેવી ગણી બધી છુટ આપી એટલે એને છુટ્ટો દોર મળી ગયો. બાઈજી પાંચેક વર્ષથી કામિનીને ત્યાં સાંજની રસોઈ બનાવતી.ચોખ્ખી દાનતની અને સૂઝવાળી હતી.રસોઈ ઉપરાંત, નિશાને ભાવતા નાસ્તા ય બનાવી રાખતી.સ્કૂલેથી આવ્યા પછી બાઈજી તેનું માની જેમ ધ્યાન રાખી ખવડાવતી.એનો છોકરો ય એની ભેળો આવતો.
  • કામિની ઘડઘડ દાદરો ઉતરતી મોટેથી બૂમો પાડતી હતી, 'બાઈજી , આ છોકરીને તમે ... '
  • રસોડામાંથી પૂરીઓ તળવાની સોડમ આવે છે .નિશા દોડતી બાઈજી .. કરતી એના છોકરાને ધક્કો મારી જીદ એની કરી પાસે ગઈ.

    દૂર ઊભેલો બાઈજીનો છોકરો નિશાને કિટ્ટા કરે છે.

    કામિની રસોડામાં ડોકિયું કરે છે ને જુએ છે નિશા બાઈજીનો પાલવ પકડી પૂરી માંગે છે 'કેટલી વાર લાગશે મને ભૂખ લાગી છે ' બાઇજી ઊભી ઊભી ગરમ તેલમાં તાજી પૂરીઓ તળે છે.એક ફૂલેલા દડા જેવી પૂ રી ઝારી પરથી ઊતારી બોલી 'બિટીયા પૂ રીને ઠન્ડી થવા દેં '. સામેની બારી પર ધોઇને મૂકેલી કાચની બરણી પર પડતા સૂય્રપ્રકાશના તેજથી બાઈજીનો ચહેરો ચમકતો હતો .

    કામિનીની આંખો તેલના ધુમાડાથી કે કેમ ધુંધળી થઈ હતી.તેણે તળેલી એક પૂરી લઈ બાઈજીના દીકરાને આપી વ્હાલથી માથે હાથ ફેરવ્યો।

    ***

    (4) - 'એપોન્ટમેન્ટ'

    રમણીક દેસાઈ ફીજીશીયન ડો.પરાગ આર દેસાઈની ઓફિસના વેઈટીગ રૂમમાં તેમને અંદર બોલાવે તેની રાહ જોતા બેઠા છે.ડોકટરના નામ પછીનું આર દેસાઈ તે રમણીક દેસાઈ પોતે.એમની ત્રણ પેઢીના નામ તેમને ખબર છે, છોટુભાઈ લાલભાઈ મગનભાઈ દેસાઈ. એમના કુટુબના ઇતિહાસમાં કોઈ બાપે દીકરાને મળવા એપોન્ટમેન્ટ લીધી નહોતી.આજે દેસાઈ કુટુંબમાં એક કદી ન બનેલી ઘટનાની નોધ લેવાશે.કયા અક્ષરે લખાશે તે તો ભગવાન જાણે!

    નર્સે હસીને બારણું ખોલ્યું, એટલે તેઓ ઊભા થવા ગયા, નર્સે તેમની બાજુમાં બેઠેલા રોબર્ટને 'હલો 'કરી બોલાવ્યો, રમણીકે અકળાઈને 'હું કયારનો બેઠો છું 'એવું કહ્યું પણ સોરી કહી નર્સ અંદર ગઈ તે જાણે કાયમ માટે અદ્રશ્ય થઈ ગઈ.

    એમને કોઈ ગંભીર માંદગી નહોતી પણ સવારે દીકરાને 'મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.'એમ કહ્યું, દીકરા સાથે સહેજ વાતચીત થાય, એટલે કે છેવટે 'પપ્પા શું થયું પૂછે તો?' તો એના બાપ તરીકે જીવું છું તેની ખાત્રી થાય.સવારે વહેલો અને રાત્રે મોડો આવતા દીકરાને તેઓ ડોકટરના સૂટમાં જ જોતા હતા, પરાગે સવારે ઘરનું બારણું બંધ કરતા કહી દીધું, 'એપોન્ટમેન્ટ લઈ લેજો '

    એમણે બધા મેગેઝીન જોઈ કાઢ્યાં, તેમને ગૂગણામ થતી હોય તેવું લાગ્યું, એમને થયું દીકરો તેમની પાસે આવ્યો છે, તેમની છાતી પર હાથ ફેરવી રહ્યો છે, આમ જ પરાગ નાનો હતો ત્યારે ન્યુમોનિયા થઈ ગયેલો, શ્વાસ લેવાય નહિ, એની મમ્મી તો એક ઘડી આધી જાય નહિ પણ પપ્પા જેવા ઓફિસ જવા નીકળે એટલે એમની છાતીએ વળગી પડે.

    ' મિ દેસાઈ, હલો, હલો ..' નર્સ એમને કેબીનમાં લઈ ગઈ, ડો.પરાગે કહેલું ઈન્જેકશન આપતા બોલી, 'યુ વિલ બી ઓલ રાઈટ, ડો, ઈઝ બીઝી વિથ ઈમરજન્સી' તેમના હાથ દીકરાને ભેટી પડવા ઝૂરતા રહ્યા..

    તરૂલતા મહેતા

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED