Tamne phool didhanu yaad books and stories free download online pdf in Gujarati

તમને ફૂલ દીધાનું યાદ

તમને ફૂલ દીધાનું યાદ

શહેરની જાણીતી હોસ્પિટલ 'અંકુર 'ના ગેટ પર રિક્ષાનો ધરધરાટ થઁભી ગયો. બરોબર સાંજે સાડા છ વાગે ગેટ પરનો દરવાન દરરોજ તેને સલામ કરી આવકારે છે, તે યુવાની વટાવી ચૂકેલી પણ સપ્રમાણ દેહ અને આધુનિક ડ્રેસમાં કોઈને નજર ઠેરવી જોવાનું મન થાય તેવી હતી. તે ઠસ્સાપૂર્વક અને સ્ફૂર્તિલી ચાલે લિફ્ટ તરફ જાય છે. દરવાન ક્યાંય સુધી તેના અછડતા હાસ્યને જુએ છે.

બીજા માળે કેન્સર વોર્ડના છેડા પર આવેલા સ્પેશ્યલ રૂમ વીસનું બારણુ ખૂલ્યું.

રૂમમાં ઠરી ગયેલી ફિનાઈલની વાસમાં સળવળાટ થયો.

દીપની બન્ધ આંખોની પાંપણે એક સરસરાટ અનુભવ્યો, ખસી જતા દુપટ્ટાને ખભે સરખો મૂકતા હાથની સોનાની બગડીનો સહેજ રણકાર કાનમાં ગૂંજી રહ્યો. આછી મધુરી સુવાસનું એક તાજું મોજું એને ભીંજવી ગયું.

દીપનો શ્વાસ આછા લયમાં રોકાયો, અબઘડી પ્રિયા બારીનો પડદો ખસેડશે, એ આંખ ખોલશે ને પડદો ખૂલતાં વેંત સાંજના આકાશેથી નારંગી કિરણો ઓરડાના ખૂણે ખાંચરે કેસરી પોતું લગાવી દેશે. પછી ઓરડાનો બેડ શાંત સરોવર હોય તેમ તેમાં ધીરે ધીરે સૂર્યના પ્રતિબિબને વિલીન થવાની તેણે કલ્પના કરી.

દીપને એના કપાળને, પાંપણોને, હોઠને એક સરકતો મૃદુ પાદડીઓનો સ્પર્શ થયો. એના છાતી પર મૂકેલા હાથની ફિક્કી, રુક્ષ હથેળીમાં પડેલું તાજું લાલ ગુલાબ તેણે હળવેથી દબાવ્યું.

શરીરની સમગ્ર ચેતના આંગળીઓના ટેરવે રોમાંચિત થઈ ઝણઝણી ઊઠી. એની છાતી પર ઝૂકેલા પ્રિયાના આછા મેક અપથી શોભતા ચહેરાને તે આંગળીઓથી ચૂમી રહ્યો, પ્રિયા દીપના હોઠોમાં રમતું 'તમને ફૂલ દીધાનું યાદ ' ગીત અનુભવી રહી.

પ્રિયા અતીતના રમણીય સમયમાં સરી ગઈ. પહેલી વાર ઢાળ ઊતરતી ટેકરીઓ પરથી એક નાનકડું રાતુંચોળ ફૂલ દીપે પ્રિયાને રોમિયોની અદાથી આપ્યું હતું. મંત્રમુગ્ધ પિયા કઈ બોલે તે પહેલાં મિત્રોના તાળીઓના અવાજથી તે શરમાઈ ગઈ હતી. સૌએ તેમના પ્રેમને વધાવી લીધો હતો.

દીપ ઘણું બોલવા તડપે છે પણ કીમો થેરાપીની અસરથી અવાજ રિસાઈ ગયો છે, ત્યાં હળવી ચપટીના અવાજથી તેનું ધ્યાન ખેંચાયું. 'ડોન્ટ બી સેડ દીપ, યુ વિલ બી ઓલરાઇટ, આઈ નો યુ લવ પ્રિયા. '

ડો. આશુતોષ બોલ્યા.

***

દીપ-પ્રિયાની પહેલી મુલાકાતના મુગ્ધ પ્રેમની શરૂઆત 25વર્ષ પહેલાં આબુના ગુરુશિખરની ટોચ પરથી ઊતરતાં થઈ હતી, વેકેશનમાં મિત્રોએ આબુની ચાર દિવસની ફન ટ્રીપ ગોઠવી હતી. બધાએ કપલમાં એડજેસ્ટ થવાની શરત હતી.. બીજા અગાઉની ઓળખ કે મૈત્રીથી પોતાના પાર્ટનર શોધી મીની વાનમાં ગોઠવાઈ ગયાં. દીપ અને પિયા પહેલીવાર મળેલાં, એકબીજાને મુંઝાતા જોઈ રહ્યાં. થયેલું એવું કે પિયાનો ફ્રેન્ડ સિદ્ધાર્થ પ્લાન પ્રમાણે આવી શક્યો નહોતા. છેક છેલ્લી ઘડીએ વિનય એના ભાઈ દીપને લઈ આવેલો. દીપ બેગ્લોરની ટેક ઇસ્ટિટ્યૂટમાંથી ગ્રેજ્યુએટ થઈ રજાઓમાં ઘેર આવ્યો હતો.

વિનયે બૂમો પાડી 'આમ બાધાની જેમ એકબીજાને જુઓ છો શું? બસમાં ચઢી જાવ.'

બસની પહેલી બે સીટ ખાલી હતી તેમાં તેઓ સંકોચાઈને ગોઠવાયાં એટલે પાછળની સીટમાંથી આશુતોષે દીપને પ્રિયાની નજીક ધકેલ્યો. 'સ્કૂલના છોકરાની જેમ નર્વસ થઈ ગયો કે શું?

મઝા કરવા નીકળ્યાં છીએ દુનિયા જખ મારે આપણને કોઈની પડી નથી. 'આશુતોષ મસ્તીમાં બોલ્યો હતો.

દીપ વિચારતો હતો દરરોજ સાંજે છ વાગ્યા પછી એની રુમમાં જીવન વહેતુ થાય છે. હળવી ઝરમર થાય છે. સાંજે પ્રિયા રૂમમાં આવે પછી દસેક મિનિટ પછી ડો. આશુતોષ રાઉન્ડ પર દીપની પાસે આવે. બધાં કોલેજકાળના મિત્રો હતાં તેથી હળવાશના વાતાવરણમાં આશુતોષ વધુ સમય રૂમમાં રોકાતો, કેટલીક વાર પ્રિયાના ટીફીનમાંથી નાસ્તો કરતો, કેન્ટીનમાંથી ચા મંગાવતો. પહેલેથી તેનો મૂડ મસ્તી મઝાકનો તેથી દીપને અને પ્રિયાને ગમતું. પણ તેઓ જાણતા હતા કે આશુતોષ તેના હાસ્યમાં ઊંડી વેદનાને છુપાવતો હતો. તેની પત્ની આ જ હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં ગર્ભાશયના કેન્સરમાં મુત્યુને ભેટી હતી.

કેટલીક વાર દીપ આંખો બંધ કરી સૂતો હોય, આશુતોષ બેડની ડાબી બાજુ ઊભો હોય અને પ્રિયા જમણી બાજુ ઊભી હોય બન્ને દીપની સારવાર કરવામાં મગ્ન, બે તંદુરસ્ત શરીરના ગરમ શ્વાસોનું પરસ્પર મિલન દીપ એના કુશ શરીર પર કોઈ તોફાનની જેમ અનુભતો. ફૂલ સ્પીડમાં પૂલ પરથી પસાર થતી ટ્રેનને રોકવા એ એના નબળા હાથ ઊંચા કરી તેની પર ઝૂકેલા બે શરીરને અલગ કરવા પ્રયત્ન કરતો. પ્રિયા અને આશુતોષ

એકસાથે બોલી ઊઠે :'આર યુ ઓ કે દીપ ?'

'મારાથી શ્વાસ નથી લેવાતો '

દીપને પોતાના કેન્સરગ્રસ્ત શરીર માટે ધિક્કાર થયો, કેમ કરીને તેનાથી છૂટકારો મળે ? હજી કેટલી વાર કીમો લેવાનો? અરર આ સતત ઊબકા ને માથાની નસોની તાણ. ના ના હવે સહન નથી થતું., એ કેટલો લાચાર કે જાતે બાથરૂમમાં પણ નથી જઈ શકતો, પાણીનો પ્યાલો તેના નબળા હાથથી પકડી શકતો નથી.

પ્રિયા તું રોજ મારા માટે ગુલાબ લાવે છે, આખો દિવસ હું તારા આવવાની રાહ જોઉં છું, મારું મન તને ભેટી પડે છે પણ મારું આ જડ શરીર બેડમાં જકડાઈ રહે છે ! મને આશુતોષના તંદુરસ્ત શરીરમાં પ્રવેશી તને મારા બાહુમાં સમાવી છાતી સરસી લગાડી દેવાનું મન થાય છે. કાશ ! હું પરકાયા પ્રવેશ કરી તારા હૂંફાળા દેહને મારામાં સમાવી શકું ! તારી ઊભરાતી છાતીમાં મારું મોં છૂપાવી દઉં ! દરરોજ સાંજે મને કચ્ચરધાણ કરતું આવું દશ્ય હું ક્યાં સુધી સહન કરું? ક્યાં સુધી આ અગન પથારી પર હું સૂતો રહું? મારી લાશને સૂકા કાષ્ઠમાં ભડ ભડ બળી જવા દે।.

પ્રિયાએ ટિફિન લીધું અને દીપના કપાળે ચુંબન કરી કહ્યું; 'કાલે તને સારું ફીલ થશે. '

દીપે પિયાનો હાથ ઝાલી કહ્યું 'નો મોર કીમો, આઈ કાન્ટ બેર ઈટ, સૉરી મને માફ કરજે પ્રિયા '.

પ્રિયાને આઘાત લાગ્યો, ગુસ્સો આવ્યો ;'ટ્રીટમેન્ટ વગર શું થાય તને ખબર છે ને?'

દીપે પ્રિયાના હાથને સ્નેહથી દબાવ્યો:'આપણા પ્રેમને ખાતર મારી પીડાને સમજ '.

પ્રિયા ડૂસકાંને દબાવતી ઊતાવળી ડો. આશુતોષની ઓફિસમાં પહોંચી. ડો. આઈ. સી. યુ માં હતા. તે લથડતા પગે નીચે આવી ત્યાં દરવાન દોડીને આવ્યો ;'મેમસાબ ઠીક હો?'

તેણે રીક્ષા બોલાવી. પોતાના જ મૃતદેહનો બોજ તે ઉપાડતી હોય તેમ ભારેખમ પગથી પ્રિયા એક ડગલું ચાલી શકતી નથી એ.. બોજ તેના ખભાને, કેડને, સમગ્ર શરીરને.... એના હોવાપણાને તોડી રહ્યો હતો.

***

' આજે કેમ આટલી વહેલી આવી?તારી તબિયત ઠીક છે ને?' ડો. આશુતોષે ઉતાવળી, વ્યગ્ર આવેલી પ્રિયાને જોઈ કહ્યું.

તે ચક્કર આવતા હોય તેમ ખુરશીમાં બેસી પડી. ડોકટરે નર્સને પ્રિયાનું બ્લડપ્રેશર લેવા કહ્યું.

'પ્રિયા, લૂક એટ મી, એટલી બધી ટેન્સમાં કેમ છું ?' ડોકટરે રિલેક્સ થવા ગોળી આપી.

'મને દવાની જરૂર નથી, દીપને જરૂર છે અને એ કીમો લેવાની ના પાડે છે. ' પ્રિયા ગુસ્સામાં બોલી.

'વોટ ? હોસ્પિટલમાં છેક છેલ્લી ઘડી સુધી પેશન્ટને બચાવવા સારવાર અપાય છે. એ અમારી ડ્યૂટી છે. 'ડો. આશુતોષ કડકાઈથી બોલ્યા.

તેણે ખુરશીમાં બેઠેલી પ્રિયાને આત્મિયતાથી ઊભી કરી કહ્યું :' ચાલ, આપણે એને સમજાવીશું. '

ગઈ કાલ રાતના દીપના શબ્દો પ્રિયાને રૂંવે રૂંવે દઝાડતા હતા તે એવી આગમાં ફસાઈ હતી કે બચાવની કોઈ દિશા નહોતી. છેલ્લાં બે વર્ષથી તે દીપની સારવાર માટે સમયને હંફાવવા લડતી હતી, હા ડો. આશુતોષનો સહકાર અને હૂંફ તેને ટકાવી રાખવા બળ આપતાં હતા. પણ દીપ આમ હતાશ થઈ જાય તો ર્ડાકટર શું કરે?શું એની સારવારમાં ખામી છે?શું એનો પ્રેમ દીપને જીવનનો ઉજાસ ન આપી શકે?

ડો. આશુતોષે દીપના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે એની પાછળ આવતી પ્રિયા વચ્ચે જ થઁભી ગઈ. એક ક્ષણ તેને લાગ્યું બેડ ખાલી છે. ડોકટર એનો હાથ પકડી લઈ આવ્યા. ઊંચા, મજબૂત ડોક્ટરને વેલીની જેમ વીંટળાતી પ્રિયાને દીપે બન્ધ આંખોએ જોઈ. પછી તે બારીને તાકી રહ્યો, પ્રિયાથી જીરવાયું નહિ એણે સર.. કરતો પડદો ખોલી નાંખ્યો.

દીપે પોતાની આંખ પર હાથ ઢાંકતા કહ્યું :'આજે તાપ આકરો છે., આજે તું વહેલી આવી ગઈ ?'

આશુતોષે દીપને સ્ટેથોસ્કોપથી તપાસતા કહ્યું :'શું વાત છે યાર ? તારી સારવાર ચાલી રહી છે, ને તું કેમ ભાંગી પડે છે?'

પ્રિયાની લાલ આંખો જોઈ દીપ બોલ્યો :'આજે ગુલાબ આંખોમાં સંતાડી રાખ્યા છે?'

પ્રિયા પર્સમાંથી ગુલાબ કાઢતાં ધ્રુસકે ચઢી... એક . બે . મિનિટ... રૂમમાં ટોર્નેડો (ચક્રવાત ) આવ્યો હોય તેમ બધું ઊંઘુછત્તુ થઈ ગયું.

દીપના ચહેરા પર અકળ સ્મિત હતું.

આશુતોષને ગુસ્સો આવ્યો :'બીજાંને રડતાં જોઈ તને હસવું આવે છે?'

દીપ:'હું તો લાચાર છું, માત્ર દષ્ટા છું '.

આશુતોષે પ્રિયાના ઝૂકેલા ખભા પર પર હાથ ફેરવ્યો. ગુલાબનું ફૂલ દીપના હાથમાં મૂકતી પ્રિયાના હાથને દીપે હોલવાતા દીવાની ભડકો થતી જ્યોતની જેમ ઝનૂનપૂર્વક પકડી આશુતોષના હાથમાં મૂકી દીધો પછી બે ઊષ્ણ હથેળીઓ વચ્ચે હળવેથી ગુલાબને સરકાવી દીધું.

(ધીરે ધીરે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે, તમને ફૂલ દીધાનું યાદ -- કવિ રમેશ પારેખ )

તરૂલતા મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED