કાંઠા તરફથી ફાયર થયો એટલે કેસી ઘડીક ચોંક્યો હતો. આવનારા લોકોએ અહીંની ભૂગોળને બરાબર સમજીને ઘેરો ઘાલ્યો હતો. બખોલનો છેડો પર્વતની ટોચે ખૂલે છે, ત્યાંથી અડાબીડ જંગલ વટાવીને બ્રહ્મપુત્રના બીજી દિશાના કાંઠા તરફ જઈ શકાય છે તેની પાકી માહિતી તેમની પાસે હતી. એટલે જ એક ટીમે બખોલમાં હુમલો કર્યો અને બીજી ટીમે જંગલ તરફના કાંઠાને દબાવી રાખ્યો હતો. મતલબ કે, તેઓ સ્થાનિક હતા અથવા તો સ્થાનિક સ્તરેથી તેમને માર્ગદર્શન મળતું હતું. એકપણ સ્થાનિક અલગતાવાદી ગેંગ સાથે કેસીને દુશ્મની ન હતી.