અઢી અક્ષરનો વહેમ - ૧૪

(60)
  • 5k
  • 5
  • 1.1k

મિત્રો, ગયા એપિસોડમાં આપણે જોયું કે લેખિકા રીટાબેન ઠક્કરે પોતાનું કાર્ય ખુબ જ કુશળતાપૂર્વક પાર પાડ્યું. પ્રણાલીને ખુબ જ વિસ્તારપૂર્વક પોતાનું મનોવિશ્લેષણ કરાવી, તેમણે તેને એ અહેસાસ કરાવી દીધો કે અનિકેતની ખામી જ જો તેનો વાંક હોય, તો એવી કોઈક ખામી તો તેના પોતાનામાં પણ છે જ. અનિકેત જો એવી માનવ-જાતી પ્રત્યે શારીરિક-આકર્ષણ અનુભવતો હોય કે જે તરફ તેણે ન આકર્ષાવું જોઈએ, તો પોતે પણ એવી જાતિ તરફ નથી આકર્ષાતી કે જેનાં તરફ તેણે કુદરતી રીતે આકર્ષાવું જોઈએ. અને આમ છતાંય, આવી બે-બે ખામીનાં ગુણાકાર બાદ પણ, તેઓ બંનેને એકબીજા તરફ જાતીય-આકર્ષણ તો છે જ. કરોડો લોકોનાં આ મનવ-સમુદાયમાં એક ખામીયુક્ત માનવને બીજા ખામીયુક્ત માનવ સાથે મેળવી આપવાનું કામ જયારે કુદરતે કર્યું જ છે, તો કુદરતની આ તરફેણને તરછોડવાની મોટી ભૂલ પોતે કરી રહી છે તેવો અહેસાસ પ્રણાલીને આપણા લેખિકાબહેને સફળતાપુર્વક કરાવી આપ્યો અને જયારે પ્રણાલીએ પોતાની માને પોતાની આ ભૂલ સુધારી લેવાનો નિર્ણય સંભળાવ્યો તો તેની માએ ત્યારે તેને એક નવો જ આંચકો આપ્યો કે અનિકેત તો એચઆઈવીગ્રસ્ત છે. એક તરફ પ્રણાલીને, તેનાં માબાપની આ એક ચાલ જ લાગતી, તો બીજી તરફ તેને એક ખચકાટ પણ હતો. કારણ અનિકેતનું બ્લડ-ટેસ્ટ હજી થોડા દિવસ પહેલા જ થયું હતું, તે વાત પણ એક નક્કર હકીકત જ હતી. આમ એક મૂંઝવણમાંથી છોડાવીને લેખિકા રીટાબેને પ્રણાલીને એક નવી જ મૂંઝવણમાં મૂકી પોતાનો એપિસોડ પૂરો કર્યો. આમ પ્રણાલીનું મનોમંથન હજી અધૂરું જ રહી જવાથી, મારે ફરી એકવાર એક બીજી લેખિકાની જરૂર પડી. એટલે આ વખતે મેં આ કાર્ય સોંપ્યું સરલાબેન સુતરીયાને. અને, જેનાં ખોળામાં પોતાનાં સંતાનોનાં ય સંતાનો રમે છે, તેવી વયના એક સીધાસાદા ગૃહિણી, એવા સરલાબેને આ પડકાર સહર્ષ સ્વીકારી લીધો. એચઆઈવીગ્રસ્ત અનિકેત સાથે આગળ વધવું કે નહીં જેટલી આ વાત મહત્વની છે, એથીય વધુ અરજન્ટ અને અગત્યની વાત તો એ છે કે, પોતે આવા યુવાન સાથે હાલમાં જ બે વાર શારીરિક સંસર્ગ કરી ચુકી છે, અને તે પણ અનપ્રોટેક્ટેડ, એ વાતની ગંભીરતા પ્રણાલી સારી પેઠે સમજે છે. તે એય જાણે છે કે આને કારણે પોતે પણ આ રોગનો ભોગ બન્યાની શક્યતા ખુબ જ હોઈ શકે, એટલે પોતાનો ય ટેસ્ટ અને ઈલાજ તો હવે કરાવવો જ પડે. તો આ વાત પોતાનાં માબાપને કરવી કે નહીં -તેવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં રહેલી પ્રણાલીની સાથે હવે સરલાબેને આગળ વધવાનું છે. તે ઉપરાંત.. સરલાબેને વાર્તાને ઘણી ઝડપથી આગળ પણ વધારવાની છે, કારણ પ્રશ્નો તો હજી ઘણા ય ઉકેલવાના બાકી છે અને અમારી પાસે હવે એપિસોડ તો ફક્ત ત્રણ જ બાકી રહ્યા છે. જી હા, સોળ પ્રકરણોમાં જ પોતાની વાર્તા પૂરી કરવાની અમારી બંને ટીમ વચ્ચે સમજુતી થઇ છે. તો હવે પછીના આ ત્રણ પ્રકરણોમાં બનાવો ખુબ જ ઝડપથી બનતા રહેશે. સરલાબેને પણ હીમ્મતભેર આ બીડું ઝડપી લીધું, અને તમે જોશો કે તેઓ તેમાં ખુબ સફળ પણ થયા છે. સલામને લાયક એવા સરલાબેનનું, આ સલામ કરવાનું મન થઇ જ આવે એવું પ્રકરણ, આપની સમક્ષ પ્રસ્તુત કરતા મને ખુબ જ આનદ થાય છે. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા..