"શૂન્ય, મારી પાછળ આવો." નિર્ભય સેનાનાયક જગપતિએ નાસ્તો પૂરો થતા જ આદેશ આપ્યો. બધા શૂન્યોએ હકારમાં માથું હલાવ્યું અને તેની પાછળ એમ જવા લાગ્યા જાણે કે એ બધા ઘેટાંના એક ટોળા કરતા વિશેષ કંઈ જ ન હોય. વિરાટ અને નીરદ સીડી ઉતરી નીચે ભોંયરા તરફ ગયા. વિરાટ પહેલીવાર કામ કરવા જઈ રહ્યો હતો. કામ એ શૂન્યના જીવનમાં સૌથી મહત્વનું પાસું હતું. આજે તેના માટે કામનો દીવાલની આ તરફનો પહેલો દિવસ હતો. આ દિવસ ગમે ત્યારે પહેલા દિવસમાંથી છેલ્લા દિવસમાં ફેરવાઈ જવાની સંભાવના હતી. કોઈ ખંડેર ઇમારત નીચે દબાઈ મરવું, વીજળીના તોફાનમાં સપડાવું જેવા તો હજારો પાસા હતા