આકાશવાણીનું આ હાસ્ય કેન્દ્ર છે....! મગજને છુટ્ટો દોર ક્યારેય નહિ અપાય. આપ્યો તો એ શેખચલ્લીનું મોસાળ બની જાય. લોકડાઉનમાં પહેલી અસર મગજને થાય, કંટ્રોલ નહિ રાખીએ તો ચમનીયા જેવી વલે થાય..! નવરો ધણી કાટલાં તોકે એમ, ચમનીયાને લોકડાઉનમાં વિચાર આવ્યો કે, આ રેડીયાના કાર્યક્રમોમાં હાસ્યની છાંટ લાવવી જોઈએ. રેંટીયા ગયા પછી રેડીયાનો ફાલ પણ હવે વધ્યો છે. એમાં જ્યારથી મનકી બાત રેડિયા ઉપર શરુ થઇ ત્યારથી, પોસ્ટકાર્ડ જેવી દુર્દશા ભોગવતો રેડિયો પણ ફૂંફાડા મારતો થઇ ગયો.