જયરાજ પરિમલ તન્ના - ડાયમંડ કિંગ ! આ નામ મુંબઈના હીરા બજારનું એક મોટું નામ ગણાતું. હીરા બજારની કોઈ પણ આંટીઘૂંટી ઉકેલવી અને તુરત નિર્ણય લેવાની જયરાજ તન્નાની ફાવટ આજે દીકરીના કિસ્સામાં જવાબ દઈ ગયેલી. રાતનાં દોઢ વાગ્યો હતો. એ બેચેનીથી એનાં જુહુનાં બંગલામાં, એનાં જ જેવી એની તેજીલા તોખાર જેવી પુત્રી દેવયાનીની રાહ જોઈ રહેલો. ત્રેવીસ વર્ષની દેવયાની બંગલામાં પ્રવેશી, ત્યારે એની પસંદના પરફયુમની મહેકથી દીવાનખંડ મહેકી ઉઠ્યો.