તબેલા પર છાપો માર્યા પછી ય નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યૂન હવે મરણિયો બન્યો હશે તેમાં કોઈ શંકા ન હતી. તબેલા સુધી એ પહોંચ્યો તેનો એક જ અર્થ થાયઃ કેસીના ચક્રવ્યુહમાં કોઈક રીતે ઘૂસ મારવામાં એ સફળ થયો હતો. કેસીએ જૂની તમામ લિન્ક વિખેરીને નવા લોકોને કામે વળગાડી દીધા હતા. લાકાન્ગ મોનેસ્ટરી તરફ જતા હાઈ-વે પર આવેલ આ મકાન તેણે સત્વરે ખાલી કરવાનું હતું. પ્રોફેસરનો સામાન પેક થયો એ પહેલાં છપ્પન, ઝુઝાર, હિરન અને તાન્શીને મુક્તિવાહિનીના બીજા આદમીઓ સાથે રવાના કરી દેવાયા હતા. શ્ત્સેલિંગ્કા તરીકે ઓળખાતી ટેકરી એ વિરાટ, ભવ્ય પોતાલા પેલેસનો એક હિસ્સો હતી. શોટોન ઉત્સવને લીધે સ્વાભાવિક રીતે જ અહીં ભારે કડક બંદોબસ્ત હતો. એ લોકોએ અહીં પહોંચતા પહેલાં ફરીથી શોટોન કલાકારોનો સ્વાંગ સજી લેવાનો હતો.