'હી વોઝ...' રિપોર્ટ ટાઈપ કરી રહેલા કેપ્ટન ઉલ્હાસની આંગળી ઘડીભર અટકી ગઈ. ટેબલ પર પડેલા ગ્લિનફિડિચ વ્હિસ્કીના ગ્લાસમાંથી તેણે એક મોટો ઘૂંટ ભર્યો. ફરીથી બીજો એવડો જ ઘૂંટ ભર્યો અને પછી આખો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયો. તેની જીભ પર વ્હિસ્કીની તીખી કડવાશ બાઝી ગઈ હતી. ગળામાંથી ઉતરીને અન્નનળીના માર્ગે છેક જઠર સુધી ઉતરતો વ્હિસ્કીનો રેલો આગના ભડકા જેવો અહેસાસ કરાવતો હતો. તેણે ફરીથી લેપટોપના સ્ક્રિન પર પોતે ટાઈપ કરેલા શબ્દો વાંચ્યા પછી અવશપણે ડોકું ધૂણાવીને ઊભો થયો.