પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત પકડ તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ચીસ ગળા સુધી પહોંચી અસ્ફૂટ ઊંહકારો બનીને અટકી ગઈ હતી. ખડક સાથે પગ અથડાવાથી જરાક જેટલો અવાજ થયો ત્યાં એ આદમીએ તેના પગ પરની ભીંસ વધારી દીધી. શરીરને તંગ કરીને કરાડ પર લેટેલી હાલતમાં તે માંડ વીસેક મીટર નીચેનું દૃશ્ય ફાટી આંખે જોઈ રહ્યો. દૂર પહાડના ઢોળાવ પર હજુ ય ક્યાંક ગ્રેનેડ ફાટી રહ્યા હતા અને અચાનક ફાટતા બારુદના ક્ષણિક ઝબકારામાં અંધારાની છાતી ચિરાઈ જતી હતી. એકધારા આઠ-દસ ગ્રેનેડના ધડાકા પછી સામેથી થતું ફાયરિંગ અટકી ગયું હતું. ક્યાંય કોઈ હલનચલન વર્તાતી ન હતી...