વહેલી સવારનો ઝાંખોપાંખો ઉજાસ સડસડાટ ટેકરીઓનો ઢાળ ઉતરીને બ્રહ્મપુત્રના નીરમાં ભળી જવા જાણે કોઈના આદેશની રાહ જોતો હોય તેમ ક્ષિતિજ પર ઝળુંબી રહ્યો હતો. આગલા દિવસે સૌના માપ લેવાયા હતા ત્યારે કોઈએ કશો ફોડ પાડયો ન હતો પણ તેનું કારણ હવે સમજાતું હતું. ટ્રેક સુટ અને હેવી ટ્રેકિંગ શૂઝમાં સજ્જ થઈને તેઓ પહાડોની સાંકડી તળેટીમાં પહોંચ્યા ત્યારે પેલી છોકરી એક ચટ્ટાન પર બેસીને કાગળ પર કશુંક નોંધી રહી હતી. તેની સાથેના બીજા આઠ-દસ આદમીઓએ તેમને ત્રણ ટીમમાં વહેંચીને હરોળમાં ઊભા રાખી દીધા.