દિવસભર ધખધખીને ઉકળાટાની હાંફે ચઢેલું રેગિસ્તાન, રેગિસ્તાનની છાતીના હાંફમાંથી દમ-બ-દમ વલોવાતી વેરાની, વેરાનીના ખભે ચડીને કારમી ચીસ સાથે યાળ ઉછાળતો નિર્જન સન્નાટો અને સન્નાટાની તગતગતી આંખોમાંથી ફેંકાતો ભ્રમણાઓનો બિહામણો ચક્રાવાત… ઊંટની રાશ અને મજોઠની નાગચૂડમાંથી મહાયત્ને મુક્ત થયેલો ત્વરિત ક્યાંય સુધી અસમંજસમાં એમ જ બેઠો રહ્યો હતો. હજુ ય તેના મનમાં અચાનક શરૃ થઈ ગયેલા ખુબરાના જંગની ભીષણ ધણધણાટીના ભણકારા વાગ્યા કરતા હતા અને તે ભયથી છળી ઊઠતો હતો. મનમાં ફૂંકાતા ગોળીઓના સનકારાથી અનાયાસે જ ગરદન નમાવી દેતો હતો.