વીરસિંહ સરદારસિંહની હવેલી પર પહોંચ્યો, “સરદારસિંહ! દુર્જેયસિંહને મળવા જવું છે!” “કાલે જઈશું!” બપોરની તંદ્રામાંથી માંડ જાગેલો સરદારસિંહ બોલ્યો. “અટાણે જ જવું છે!” વીરસિંહ ભાગ્યે જ આવી જિદ પકડતો. “અરે, એ લોકો દુર્જેયસિંહનો જીવ બચ્યાનું જશન મનાવતા હશે, ઉજવણી હજુ એક બે દિવસ ચાલશે! પછી કાલ-પરમ મળીએ ને!” “કાલપરમ સુધી થોભાય એમ નથી. આજે ન્યાં વિરાટપુરમાં ઉધમસિંહની સેનાએ જુલમ કીધો. ત્રણ બાળકોને રહેંસી નાખ્યા.”