ત્વરિતે ઘડિયાળમાં જોયું. સાડા દસ થવા આવ્યા હતા. બપોર નમે ત્યાં સુધી એકપણ હોલ્ટ કર્યા વગર હંકાર્યે જવાની છપ્પનની સુચના હવે તેને આકરી લાગતી હતી. ચહેરા પર વધેલા દાઢી-મૂછના કાતરા ગરમી અને બફારાને લીધે કરડવા લાગ્યા હતા અને જાડા ખદ્દડ કાપડના લાંબા પહેરણ તળેથી પસીનાના રગેડા ઉતરતા હતા. રણમાં જવાનું હતું ત્યારે છપ્પનિયો સાલો એસી ગાડીને બદલે આ જૂના મોડેલની વિલિઝ લઈ આવ્યો હતો. શા માટે આ વિસ્તારના લોકો હજુ ય આવા ઠોઠિયા વાપરતા હશે? અકળામણથી તેણે ડોકું ધુણાવી નાંખ્યું.