'ઈંહા હી ઠહરિયો સા'...' નીલગિરિના પાતળા-ઊંચા વૃક્ષોના ઝુંડમાં પ્રવેશતાં જ પૂજારીએ આંગળી ચિંધીને કહ્યું એ સાથે જીપ્સી એ દિશામાં વળી. પીળી માટીને પસવારતા નમતી બપોરના તડકામાં વહેલી સવારે પડેલા વરસાદની કુમાશ વર્તાતી હતી. સીમની લીલાશ ઓઢીને પાદરમાં પ્રવેશતી સાંજ લાકડાંના અધખુલ્લા ડેલામાંથી ઢાળ ઉતરી રહી હતી. ભીંજાયેલી માટીની સોડમ, સૂકાં ખડના રાડાં મઢેલી છાજલી, હારબંધ ઊભેલા મકાનોની કાચી દિવાલો અને ફળિયાના વેકરામાં ઉઘાડા પગે દોડી જતું શૈશવ...