arabsagarnu moti: shiyalbet books and stories free download online pdf in Gujarati

અરબસાગરનું મોતી: શિયાળબેટ

ધ્રુવ ભટ્ટની 'સમુદ્રાન્તિકે' જેણે વાંચી છે તેમણે શિયાળબેટ વિશે ઘણી વાતો જાણી હશે. સર્વત્ર અરબસાગરથી ઘેરાયેલો એક રમણીય ટાપુ એટલે અમરેલી જિલ્લામાં આવેલું શિયાળબેટ. એક ઐતિહાસિક અને પુરાતત્વીય બેટ. લગભગ 98 એકર જેટલો તેનો વિસ્તાર છે. અમારે જાફરાબાદથી તો માત્ર 25 કિલોમીટર થાય. જેણે કોઈ દિવસ દરિયો કે દરિયા સાથે ઓતપ્રોત થઈ ગયેલું લોકોજીવન જોયું ન હોય એણે એકવાર શિયાળબેટ અવશ્ય જોઈ લેવું. પ્રથમ તો તમારે દરિયો ઓળંગીને જ ત્યાં પહોંચવું પડે, નાનકડી વારે રાખેલી હોડી તમને બેટ સુધી મૂકી જાય અને મહેનતાણું લઈ લે.
મેં ગયા વર્ષે જ 'સમુદ્રાન્તિકે' વાંચી. પછી ત્યાં જવા માટે રીતસરની તલપ ઉપડેલી. જોકે, એવું નથી કે શિયાળબેટ અગાવ કદી ગયો નહોતો ! પણ જ્યારે આપણો જ વિસ્તાર, આપણા જ પાત્રો, આપણો જ જીવનસંઘર્ષ અને આપણી જ વાતો જેમાં આલેખાઈ હોય તે વાંચી ભાવવિભોર બની જવાય છે. અને પછી ત્યાં પહોંચવા મન અધીરુ બને જ ! વાંચ્યા પછી કે અનુભવ કર્યા પછી આપણી જ આસપાસ વિકસેલી એ દુનિયા પણ કેવી ગજબ લાવતી હોય છે !જાણે પળભરમાં એક નવી જ દૃષ્ટિ મળી હોય એવી અનુભૂતિ થઈ આવે. ધ્રુવ ભટ્ટની 'સમુદ્રાન્તિકે'માં એ રીતે જ અમારા લોકો, અમારી વાતો અને અમારો જ દરિયો તેમાં આકાર પામ્યો છે એટલે ગર્વ થાય તે સ્વાભાવિક છે. પછી વાલબાઈ હોય, પેલી નાનકડી જાનકી હોય કે, જેના કુણા શબ્દો:
"તે લૈ લે ને. આંય તને કોઈ ના નો પાડે" આજે પણ વાંચતા કે ગણગણતાં હૈયામાં પોતાપણું જન્માવી જાય છે.
ગઈ કાલે મારે ઓચિંતા જ શિયાળબેટ જવાની યોજના બની ગઈ ! બે ત્રણ મિત્રો હતા સાથે એટલે પછી લાબું વિચારવા જેવું કશું હતું નહીં. મને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો એવું થયું. મારો સ્કૂલ સમયનો એક મિત્ર ત્યાં રહે છે. આજે તો તેના ઘરે ત્રણ બાળકો છે પણ બચપનના તે દિવસો અને તેની ખાટી મીઠી યાદો ગમે તે સંજોગોમાં ચહેરો હરખાવી દે તેવી રોમાંચક છે.

હિલ્લોળા લેતી હોડી પરથી મેં દરિયાની છાતી પર પથરાયેલા એ મનમોહક વિસ્તાર પર નજર નાખી. જાણે આખો એક દેશ તેની ભાતીગળ સંસ્કૃતિને હૈયામાં ધરબીને બેઠો હોય એવું લાગ્યું ! એ નાનકડી હોડીમાંથી અમે ઉત્સાહભેર શિયાળબેટની ઘરતી પર પગ મૂક્યો, ત્યાં મિત્ર હિંમતએ મીઠો આવકાર આપ્યો. તેના ઘરમાં ઉત્સાહભેર ચા પાણી કર્યા. ઓસરીમાં બેઠા બેઠા ભૂતકાળ વાગોળ્યો અને ખબરઅંતર પૂછ્યા. પછી તો એ વિસ્તાર વિષે ઘણી અવનવી વાતો, રહસ્યો, ઇતિહાસ અને પૌરાણિક મહત્વ ધરાવતી કહાનીઓ તેણે પોતાની કાલીઘેલી ભાષામાં મને સમજાવી. ક્ષણભર અલોકિક આનંદ થઇ આવ્યો. ઉમાશંકર જોશી લખે છે એમ:'ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,' પણ અમારી સાથે તો ભોમિયા જેવો દોસ્ત (નામ-હિંમત) અને ધ્રુવદાદા એ આંકેલા દશ્યના શબ્દચિત્રો મનમાં છપાયેલા એટલે ઉત્સાહ અનેરો હતો. વાત વાતમાં સવાલોની સરવાણી મારા અંતરમાંથી અનાયાસે જ વહી જતી. ઘણું બધું એક સાથે પૂછી લેતો. શિયાળબેટના લગભગ મોટા ભાગના વિસ્તાર અને સ્થળોની તેણે હોંશે હોંશે મુલાકાત કરાવી. બપોરે જમવાની વ્યવસ્થા પણ તેણે તેના ઘરે કરી આપી. તેની ભલીભોળી પત્નીએ પણ આદર સાથે આતિથ્ય કર્યું. જાણે 'સમુદ્રાન્તિકે'ની પેલી અવલને મળ્યાની આંતરિક અનુભૂતિ મને થઇ આવી.
ઘણું રખડયાં. દરિયા કિનારાની કોતરોમાં રખડવાનો અનુભવ તો અમારે સામન્ય છે, જાફરાબાદમાં આવી કોતરોમાં હું ઘણીવાર ભટક્યો છું પણ, આજે કાંઈક અલગ અનુભીતિ થઈ. કદાચ હૈયામાં ઉમળકો આજે વધું હતો એટલે લાગણીઓ ઉભરાતી હશે.

ચોતરફ આરબ સાગર ઘૂઘવાટા કરે અને તેની વચ્ચે આખું એક ગામ નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હોય તે વાત જ કેવી કલ્પનાતીત લાગે છે ! એક સમયનું આ ધમધમતું નગર હશે કદાચ. જેના ખંડેરોમાંથી આજે પણ અવશેષરૂપે પૌરાણિક મૂર્તિઓ ધરતીના ઉદરમાંથી ડોકિયાં કરે છે. જેમાં મોટે ભાગે બૌદ્ધ, જૈન અને હિન્દૂ એમ ત્રણે ધર્મને સાંકળતી મૂર્તિઓ જોવા મળે છે. અહીં ડગલે પગલે મંદિરો છે તો વળી આંખ પલકારો માળે ત્યાં એક નવી વાવ સામે ઉભી હોય. એમાં પણ માન્યમાં ન આવે એવી વાત તો એ કે, તેનું પાણી કુદરતી રીતે મીઠું મધ જેવું હોય. ક્ષણેક તો સવાલ હૃદયમાં સળવળ્યા વિના રહે જ નહીં કે આ ખારાંદવ મહેરામણનું ખારું હૈયું ચીરીને આ અમીધારા ક્યાંથી ફૂટતી હશે ? એક વાવ તો બિલકુલ દરિયાની સામે, માત્ર 15 મીટરના અંતરે જ હતી છતાં તેનું પાણી તો મીઠું મધ !
સગાળશા શેઠ અને ચંગાવતીના પુત્ર ચેલૈયાનું પેલું લોકગીત તો આજે પણ આપણાં હોઠે રમે છે. એ ગીતમાં વર્ણવેલી ઘટના આપણાં કાળજા કંપાવી જાય તેવી છે. કહેવાય છે કે, કોઈ લોકકવિ એ લોકગીતમાં ગુંથેલી આ ઘટના શિયાળબેટની ધરતી પર આકાર પામી છે. તે નિર્દોષ ચેલૈયાના બલિદાન અને માતા પિતાની ટેક ખાતર હસતા હસતા ખાંડણીયે ખંડાઈ જનાર દીકરાની મુક સાક્ષી બની ઊભેલો પેલો ગોઝારો ખાંડણીયો પણ હજી પડ્યો છે. હાલ, ચેલૈયાનું અને અઘોળી બાવના રૂપમાં આવેલા ભગવાનનું મંદિર જૂનાગઢના બીલખા ગામે આવેલું છે. જોકે, શિયાળબેટમાં પણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ હાલ તો આ મંદિર બિસ્માર હાલતમાં પડ્યું છે.
શિયાળબેટ એ એક ઐતિહાસિક અને પ્રાચીન પુરાતત્વીય બેટ છે. એની જાહોજલાલી એવી કે ત્યાં ઘણાંખરાં ધર્મોના સ્થાનકો કે ચિહ્નો મળી આવે છે. તેમજ એક સમયે ચાંચિયાઓ સહિત અનેક દેશ દુનિયાના વહાણો ત્યાં નાંગરતા હશે. તે સમયે કદાચ વેપારનું મોટું મથક ગણાતું હશે. પણ હાલ ધર્મના અનુસંધાનમાં વાત કરું તો, તેમના આસ્થાના કેન્દ્ર સ્થાને અડીખમ ઊભેલું સ્થાન એટલે ગોરખમઢી. મૂળ ગોરખનાથનો આશ્રમ જેને આજે ત્યાંના લોકો 'ગોરખમઢી' કહે છે. જેમાં, ગોરખનાથ, ગણપતિ, હનુમાનજી, થાનવાવમાતા અને જૈન તીર્થંકરની મૂર્તિઓ બિરાજમાન છે. શિયાળબેટના મુખ્ય સ્થળોમાં રામમંદિરની સાથે સાથે આ ગોરખમઢીનો સમાવેશ થાય છે.
કોઈ પણ ગામમાં કેટલાક એવા સ્થળ તો હોય જ કે, જેની સાથે તેમની આસ્થા, ધાર્મિક માન્યતાઓ કે રીતિ રિવાજો જોડાયેલા હોય. શિયાળબેટનું એવું જ એક સ્થળ છે ત્યાં આવેલી એક પ્રાચીન વાવ. જેને 'થાનવાવ' માતાના નામથી લોકો અસ્થાભેર પૂજે છે. કહેવાય છે કે, જે માતાનાં થાનમાં ધાવણ ન આવતું હોય તેવી માતાને આ થાનવાવમાં બોળેલ કાપડું નિચોવીને ભીનું ને ભીનું પહેરાવવામાં આવે એટલે થાનેલાં દૂધે ભરાય! 'થાનવાવ' નામની માતાનાં નિર્મળ પાણીનું સત આજ પણ એવું ને એવું અનામત મનાય છે. આજે પણ ત્યાંના લોકો થાનવાવ માતામાં ઊંડી આસ્થા ધરાવે છે. અને જ્યાં વિષય આસ્થાનો હોય ત્યાં જલન માતરી સાહેબે કહ્યું છે તેમ પુરાવાની કોઈ જરૂર રહેતી નથી.
શિયાળબેટમાં આજે અમૂલ્ય સ્થાપત્યોની સાક્ષી પૂરતો કિલ્લો અડીખમ ઊભો છે. જે તેના ભવ્ય ઇતિહાસની ગવાહી પુરે છે. અનંત ચાવડાએ બે ડોકાબારી સહિત બનાવેલ આ કિલ્લાની પણ અમે મુલાકાત લીધી. ઉછાળા મારતાં દરિયાનાં મોજાં મગરુબીભરી અદાથી કિલ્લા પર અથડાય છે. તેની ફીણ ફીણ થઈને હવામાં ભળી જતી થપાટોને એ કિલ્લો વર્ષોથી સહન કરતો આવ્યો છે. બરાબર તેની નીચે, દરિયા કિનારાના પથરાળ મેદાનમાં પડેલા ચીલા પણ ભૂતકાળ સમેટીને બેઠા હશે. કહેવાય છે કે વર્ષો પહેલા શિયાળબેટ પરથી ચાંચ બંદર પર જવા માટે ત્યાંથી ગાડાઓ જતા. ઓટના સમયે જ્યારે દરિયો તેનું પાણી ગળી જાય ત્યારે ખાડી સુકાઈ અને એક કેડી પડે, ત્યારે માંડ થોડો સમય દુનિયા સાથે નાતો બંધાય. ભરતી ચઢે અને વ્યવહાર બંધ. જોકે હવે તો ખાડી એટલી બધી મોટી બની ગઈ કે છે કે ગાડા ચલાવવાનો વિચાર પણ ન કરી શકાય. માત્ર હોડી ત્યાં પહોંચવાનું સહજ સાધન. હાલ એનો રમણીય લાગતો દરિયા કાંઠો અને ભીંની રેતી મન મોહી લે એવી છે. કિનારે આવીને શમી જતાં મુલાયમ મોજાં પર ચલવાનો આનંદ તમને ઘડીભર સ્વર્ગ ભૂલવી દે. શીતળ પવનની મીઠી લહેરખીથી મન જાણે ખારાં પાણીમાં નાહી રહ્યું.
શિયાળબેટની શાન બનીને ઊભેલી દીવાદાંડી પાસે જ સવાઈપીરનું ધાર્મિક સ્થળ આજે પણ હિન્દૂ- મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યું છે. ત્યાંના માછીમારોની સવાઈપીર પર ઊંડી આસ્થા. દરિયાને પૂજે એટલા જ ભાવથી સવાઈપીરની માનતા માને. ત્યાં સામે જ દરિયાની વચ્ચે સ્થિત એક ભેંસલો આવેલો છે. નારી આંખે જોતા લાગે એક પથ્થરની શીલાએ દરિયાના ઉદરમાંથી ડોકિયું કર્યું ન હોય ! ત્યાંના લોકો તેને 'ભેંસલાપીર' કહીને સંબોધે છે. તેના વિશે સમુદ્રાન્તિકેમાં ધ્રુવદાદાએ ઘણાં વર્ણનો અને ઘટનાઓ આલેખી છે. અમે કિનારે સ્થિતિ કેટલાક ઝૂંપડામાંથી બહાર આવતા લોકોને તાકી રહ્યા. કિનારાની સૂકી રેતીમાં નાખેલી ફાટેલી ઝૂંપડીમાં અમને લોકોએ બેસાડ્યા. અજાણ્યા સાથે વાતો કરતા પહેલા તો તેઓ સહેજ અચકાયા. પછી એમનો જ જાણીતો એક વ્યક્તિ અમારી સાથે છે એ જોઈ વાતોએ વળગ્યા. ઘણાખરા કિસ્સાઓ, માન્યતાઓ, રહસ્યભરી વાતો એમની પાસેથી જાણવા મળી. શિયાળબેટના એ લોકોના કહ્યા મુજબ ત્યાં દૂર ભેંસલા પર અબુપીરનું થાનક છે પણ કોઈ વ્યક્તિ ત્યાં રાત નથી રોકાઈ શકતું. ઝવેરચંદ મેઘાણી પણ 'સોરઠના તીરે તીરે' પુસ્તકમાં આ વિશે વાત કરી છે. મેઘાણી એ વિશે લખતા કહે છે-"આ હિસાબે પીરની બાપડાની રંજાડ છે કશીયે? ભેંસલાને માથે રાત રહેનારને અબુ પીર ભલે ફગાવી દ્યે છે, પણ એનું ફગાવવું એટલે માણસના ફોદેફોદા વેરી નાખવા જેવું નહિ. સવારે જાગ્રત થયેલો માણસ જુએ તો પોતે કોઇક સલામત ધરતીમાં નિરાંતે પડ્યો હોય!"

શિયાળબેટ અદભુત ભૌગોલિક વિશેષતા ધરાવતો વિસ્તાર છે. નયનરમ્ય દરિયાઈ ભેખડો, કોતરો અને શીતળ પવન આ બધું જ મનમોહી લે તેવું છે. ત્યાંના લોકો તેમની અનોખા લહેકાવાળી ભાષા અને ભાતીગળ સંસ્કૃતિને સાચવીને બેઠા છે. પહેરવેશ પરથી જ એકદમ ભલા ભોળા દેખાઈ આવે. ઘણું વિહરતા, રખડતા તેમજ સ્થાનિકોને મળતાં, પૂછતાં, ઘણું નવું જાણ્યાંનો આનંદ મળ્યો. અચરજ થયું કે, શિયાળબેટની અંદર પ્રાચીન ખંડેર, ઐતિહાસિક સ્થાપત્ય, ચેલૈયાના અવશેષ અને ખૂબ દુર્લભ કહી શકાય તેવી પ્રતિમાઓ વગેરે કેટલું બધું અમૂલ્ય ખજાના સમુ પડ્યું છે ! ખરેખર અદભુત, જાણવા અને માણવા લાયક.

લેખક- વિષ્ણુ ભાલિયા (જાફરાબાદ)
17/3/2018

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED