આ પ્રકરણમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકા પરત ફરવાની વાત કરવામાં આવી છે. મણિલાલ સાજો થતાં જ ગાંધીજીએ ગિરગામનું મકાન કાઢીને સાંતાક્રૂઝમાં હવા-ઉજાસ વાળો એક બંગલો ભાડેથી લીધો. ગાંધીજીએ ચર્ચગેટ જવા પ્રથમ વર્ગનો પાસ કઢાવ્યો. તે વખતે બાન્દ્રાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી પકડવા સાંતાક્રૂઝની બાન્દ્રા ગાંધીજી ચાલીને જતા. મુંબઇમાં ગાંધીજીનો વકીલાતનો ધંધો ઠીકઠીક ચાલતો હતો. આફ્રિકામાંથી કામ મળતું તેમાંથી ખર્ચો નીકળી જતો. હાઇકોર્ટના પુસ્તકાલયોનો ઉપયોગ કરવા માંડ્યોને ત્યાં ઓળખાણ થવા લાગી. ગોખલે સપ્તાહમાં બે-ત્રણવાર આવીને ગાંધીજીની ખબર કાઢી જતા. ગાંધીજી સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી તાર આવ્યોઃ ‘ચેમ્બરલેન અહીં આવે છે,તમારે આવવું જોઇએ.’ ગાધીજી મુંબઇની ઓફિસ સંકેલીને ફરી આફ્રિકા જવા તૈયાર થયા. આફ્રિકા જતા પહેલાં મુંબઇનો બંગલો ચાલુ રાખ્યો અને બાળકોને ત્યાં જ રાખ્યા. આફ્રિકા જતી વખતે ગાંધીજી ચાર-પાંચને સાથે લઇ ગયા. જેમાં મગનલાલ ગાંધી પણ હતા. ગાંધીજીની ઇચ્છા હતી કે આ બધા લોકો નોકરી કરવાના બદલે સ્વાશ્રયી બને.