અમદાવાદના રેન્જ આઇજીપી સવાનીએ મુંબઈના ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) મિલિન્દ સાવંતનો કોલ ડિસ્કનેક્ટ કરીને તરત જ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અમિત ઝાને કોલ લગાવ્યો. ‘સર.’ કોલ રિસિવ કરતા આઈપીએસ અમિત ઝાએ કહ્યું. ‘અમિત, તાબડતોબ સાણંદ નજીકના ખોડા ગામના વતની સાહિલ સગપરિયા વિશે તમામ માહિતી મેળવવાની છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં જે ફ્લાઈંગ કારોનો ઉપયોગ થયો હતો એ તેણે બનાવી આપી હોવાની મુંબઈ પોલીસને શંકા છે. મુંબઈ પર આતંકવાદી હુમલો થયો એ અગાઉથી તે યુવાન ગાયબ છે. તેના વિશે તલસ્પર્શી માહિતી મેળવીને મુંબઈ પોલીસને આપવાની છે.’