સ્પેક્ટર્નનો ખજાનો - ૧૦

(72)
  • 7.6k
  • 7
  • 3k

સાતેય જણાનાં એક પછી એક પડતા પગલાં જમીન પર પડેલા સૂકાં પાંદડાને કચડતા હતા. અમુક અમુક જગ્યાએ તો વનરાજીઓ એવી ગાઢ હતી કે રસ્તો જ જડે નહીં. એટલે આગળ ચાલતા બે-ત્રણ જણાએ ચાકુથી નડતરરૂપ થતાં ઝાડી-ઝાંખરા કાપીને રસ્તો કરવો પડતો હતો. ઘટાદાર વૃક્ષોની ડાળીઓ એકબીજીની સાથે કરોળિયાના જાળાની જેમ ગુંચવાયેલી હતી. તડકાનું પ્રમાણ ઘણું હતું પણ, જેમ જેમ અમે જંગલમાં ઊંડે જતા ગયા તેમ તેમ સૂર્યના દર્શન ઘટતા ગયા. એકબીજાની સાથે જકડાઈને ઉભેલી વનરાજીઓની વચ્ચેથી ઝીણો ઝીણો સૂર્યપ્રકાશ આવતો હતો. આથી ઠંડીએ થોડું જોર પકડી લીધું હતું. આખાયે જંગલમાં અમારા સાત જણા સિવાય કોઈ જ બીજું માનવતત્વ ન હોય એવું લાગતું હતું. માત્ર ને માત્ર જીવ-જંતુઓ અને પક્ષીઓનાં અલગ-અલગ જાતનાં અવાજો સતત આવ્યા કરતા હતા.