આ પ્રકરણમાં ધર્મને સમજવાની ગાંધીજીની મથામણનો ઉલ્લેખ છે. ગાંધીજી આજીવિકા શોધવા આફ્રિકા ગયા હતા પરંતુ પડી ગયા ઇશ્વરની શોધમાં. ધર્મ અંગે રાયચંદભાઇ સાથે ગાંધીજીનો પત્રવ્યવહાર ચાલુ હતો. ગાંધીજીએ ‘ધર્મવિચાર,’ ‘હિન્દુસ્તાન શું શીખવે છે’, ‘મહમંદ સ્તુતિ’, ‘જરથુસ્તના વચનો’ જેવા વિવિધ ધર્મના પુસ્તકો વાંચ્યા. ટોલ્સટોયનાં પુસ્તકોની ગાંધીજીના મન પર ઊંડી છાપ પડી. એક ખ્રિસ્તી કુટંબ સાથે પરિચયથી ગાંધીજી ચર્ચમાં પણ દર રવિવારે જતા. જો કે, ત્યાંના પ્રવચનોમાં ગાંધીજીને ભક્તિભાવ પેદા ન થયો. ગાંધીજી રવિવારે એક ખ્રિસ્તી કુટુંબમાં જતાં જેમના પાંચેક વર્ષના બાળક સાથે તેમને દોસ્તી થઇ. ગાંધીજીએ તેની થાળીમાં માંસના ટુકડાને બદલે પોતાની ડિશમાં રહેલા સફરજનની સ્તુતિ કરી. નિર્દોષ બાળક ગાંધીજીના વાદે માંસ છોડીને સફરજન ખાતો થઇ ગયો જે તેની માતાને પસંદ ન પડ્યું. ગાંધીજીને તેની માતાએ કહ્યું કે મારો છોકરો માંસાહાર નહીં કરે તો માંદો પડશે. તમારી ચર્ચાઓ મોટા વચ્ચે શોભે. બાળકો પર ખરાબ અસર કરે. ગાંધીજીએ આ બહેનનું માન રાખીને મિત્રતા જાળવી રાખી પરંતુ તેમના ઘરે જવાનું બંધ કર્યું.