આ પ્રકરણમાં ગાંધીજીને થયેલા રંગદ્ધેષ એટલે કે કાળા-ગોરાના ભેદના અનુભવોનું વર્ણન છે. આફ્રિકામાં એક કેસના અનુસંધાને ગાંધીજીને પ્રિટોરિયા જવાનું થયું. ગાંધીજી પાસે ડરબનથી પ્રિટોરિયા જવા માટે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. ત્યાં સૂવાની પથારી જોઇએ તો પાંચ શિલિંગ અલગથી આપવા પડે. અબ્દુલ્લા શેઠે આગ્રહ કરવા છતાં ગાંધીજીએ પાંચ શિલિંગ બચાવવા સ્લિપિંગની ટિકિટ ન કઢાવી. નાતાલની રાજધાની મેરિત્સબર્ગમાં ટ્રેન રાતે નવેક વાગે પહોંચી. એક ઉતારુએ ફરિયાદ કરતાં અમલદાર આવ્યા અને ગાંધીજીને છેલ્લા ડબામાં જવાનું કહ્યું. ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ બતાવીને છેલ્લા ડબામાં જવાની ના પાડી. અમલદારે સિપાઇઓને બોલાવીને ગાંધીજીને સામાન સહિત ધક્કા મારીને મેરિત્સબર્ગ સ્ટેશને ઉતારી મૂક્યા. ગાંધીજી ઠંડીમાં ધ્રૂજતા સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા. આફ્રિકામાં હિંદીઓને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો હક નહોતો અને જો કરે તો કેવું અપમાન થાય તેનો ગાંધીજીને સાક્ષાત અનુભવ થયો. મેરિત્સબર્ગના હિંદુ વેપારીઓએ પણ પોતાને પડતા દુઃખોનું વર્ણન ગાંધીજી સમક્ષ કર્યું. હવે ગાંધીજીએ આ રંગભેદનો સામનો કરવાનું મનોમન નક્કી કરી લીધું.