ગાંધીજીની પેરિસ મુલાકાત અને એફિલ ટાવર વિશે આ કૃતિમાંથી માહિતી મળે છે. ઇસ.1890માં પેરિસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. પેરિસનો એફિલ ટાવર જોવાની ગાંધીજીને ઘણી ઇચ્છા હતી જેથી એક સાથે બે કામ થશે તેવું વિચારીને ગાંધીજી પેરિસ ગયા. તેઓએ એક અન્નાહારીની કોટડી લઇ સાત દિવસ ત્યાં રહ્યાં હતા. ગાંધીજી પેરિસમાં મોટાભાગે પગપાળા જ ફરતા હતા. પેરિસના એફિલ ટાવર અને ત્યાંના દેવળોની ભવ્યતાથી ગાંધીજી પ્રભાવિત થયા હતા. પેરિસની ફેશન, સ્વેચ્છાચારના દર્શન પણ ગાંધીજીને થયા. બીજી તરફ ગાંધીજીને પેરિસની શિસ્ત અને શાંતિ આકર્ષી ગઇ. એફિલ ટાવર વિશે ટોલ્સટોયે કહેલું એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઇનું ચિન્હ છે. દુનિયામાં ચાલતા ઘણાં નશાઓમાં તમાકુનું વ્યસન સૌથી ખરાબ છે, દારૂ પીનાર ગાંડો બને છે જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમ્મસ ચડે છે તે હવાઇ કિલ્લા બાંધવા લાગે છે અને એફિલ ટાવર આવા વ્યસનનું જ પરિણામ છે તેમ ટોલ્સ્ટોયને ટાંકીને ગાંધીજીએ લખ્યું છે.