આ એક એવું વાક્ય છે જે હૃદયના સૌથી ઊંડા ખૂણામાં સીધો ઘા કરે છે. જિંદગીના કોઈક વળાંકે આપણે બધાએ આ અહેસાસમાંથી પસાર થવું જ પડે છે. જેને આપણે આપણું સર્વસ્વ માનતા હોઈએ, જેના પલકારા પર આપણા શ્વાસ ચાલતા હોય, અને જેના વિશે આપણને સો ટકા ખાતરી હોય કે 'આ વ્યક્તિ ગમે તે થાય પણ ક્યારેય નહીં બદલાય', એ જ વ્યક્તિ જ્યારે અચાનક એક સવારે તદ્દન અજાણી બનીને આપણી સામે ઊભી રહી જાય, ત્યારે અંદર કંઈક એવું તૂટી જાય છે જેને ફરી ક્યારેય સાંધી શકાતું નથી.આ દુનિયામાં ઋતુઓ બદલાય છે તો એ પણ પોતાની પાછળ દિવસો અને મહિનાઓનો સમય લે છે.