"દેવી, દરેક આત્મા પોતાનું ભાગ્ય અને વૃત્તિ લઈને જન્મે છે. એક જ સૂર્યના કિરણો કમળને ખીલવે છે અને કાદવને પણ ગરમાવે છે. દોષ પ્રકાશનો નથી, સ્વભાવનો છે. વિરમન્યુ અને શિવમન્યુ બંને એક જ ક્ષણે જન્મ્યાં હતાં. બંનેમાં દેવશક્તિ વહેતી હતી. બંનેને સમાન ગુરુ મળ્યા હતા. બંનેએ સમાન શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ બાળપણથી જ એમના માર્ગ જુદા હતાં.શિવમન્યુનું હૃદય કરુણાથી ભરેલું હતું. સમુદ્રમાં ઘવાયેલું કોઈ પ્રાણી જોતા જ તે મદદે દોડી જતો. નાનામાં નાના જીવમાં પણ તે ભગવાનનો અંશ જોતો. જ્યારે વિરમન્યુ શક્તિમાં આનંદ અનુભવતો હતો. તે જળચરોને પીડા આપીને હસતો હતો. પોતાના બળનું પ્રદર્શન કરવું એ જ તેને ગમતું હતું.