ભાગવત રહસ્ય-૧૨૬ ધુવજી મધુવનમાં આવ્યા છે. યમુનાજીમાં સ્નાન કરી –પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. બીજા દિવસથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો.ધ્રુવ ત્રણ દિવસ એક આસને બેસી નારાયણનું ધ્યાન કરે છે. ધ્યાન સાથે જપ કરે છે. માત્ર ફલાહાર કરે છે. (અન્નનો આહાર કરવાથી શરીરમાં તમોગુણ વધે છે, ફલાહારથી શરીરમાં સત્વગુણ વધે છે) એક મહિનો આ રીતે તપશ્ચર્યા કરી, બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો છે. એક આસને છ દિવસ ધ્યાનમાં બેસે છે. ત્રીજે મહિને નવ દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી માત્ર ઝાડના પાન ખાય છે. ચોથે મહિને માત્ર જમુનાજીનું જળ જ લઈને-બાર દિવસ એક આસને બેસે છે.