(26) ૧૧૭. સાદો અને અજમાવેલો મંત્ર (‘નોંધ’માંથી) હોશમાં આવીને પ્રતિજ્ઞા લેવી એ સહેલું છે. પણ તેને વળગી રહેવું, ખાસ કરીને પ્રલોભનોની વચ્ચે વળગી રહેવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં જ ઈશ્વર આપણને મદદ કરે છે. તેથી મેં સભાને રામનામ લ્વાની સલાહ આપી. રામ, અલ્લા, ગૉડ એ મારે મન એક જ અર્થના શબ્દો છે. મેં જોયું કે ભલા ભોળા લોકો એવું માની બેઠા હતા કે મેં તેમની સંકટની વેળાએ તેમને દર્શન દીધાં હતાં. તેમના આ વહેમોને હું દૂર કરવા માગતો હતો. હું જાણતો હતો કે મેં કોઈને દર્શન દીધાં નથી. એક પામર, મર્ત્ય માનવી પર આવી શ્રદ્ધા રાખવી એ કેવળ ભ્રમ છે.