રાધી અને કનો રોજ માલઢોર ચરાવવા આવતા ત્યારે ગીર હરીભરી અને વધારે રળિયામણી લાગતી હતી. આજે રાધી વિના કનો ઓશિયાળો હતો, ને કના વગર રાધી અડધી અડધી લાગતી હતી. અને આ બંને વગર ગીરનું જંગલ ભર ચોમાસે હરિયાળુ હોવા છતાં ફિક્કું લાગી રહ્યું હતું. પહેલા ઢેલડિયુંની પાછળ પાછળ કળા કરીને ફરતાં મોરલા ગેહકતા હતાં,જે અત્યારે શાંત થઈ ઢેલડીયુંથી આઘે આઘે રહીને પીંછાનો ભાર હળવો કરી ચણી રહ્યા હતા. ડેમના પાણીમાં તરતું બતકનું જોડું અત્યારે એકલું થઈ અલગ-અલગ પાણીમાં તરી રહ્યું હતું. ખાખરાનાં ઠોંગે માળો બાંધીને રહેતા હોલડાનું જોડું પણ અત્યારે વિખાયેલું લાગતું હતું. માદા હોલુ આજુબાજુમાં ક્યાંય દેખાતું ન હતું.