ભેદભરમ ભાગ-7 ડોક્ટરની શંકા સાચી કે ખોટી? ધીરજભાઇ, હરમન અને જમાલ રાકેશભાઇના ઘરના ઝાંપામાંથી બહાર નીકળ્યા હતાં. ઝાંપાની બહાર નીકળ્યા પછી ધીરજભાઇએ હરમનને કહ્યું હતું. "સામે થોડો દૂર જે બંગલો દેખાય છે એ બંગલા નંબર ત્રણ ડોક્ટર બ્રિજેશ દલાલનો છે. પચાસ વર્ષની આસપાસની ઉંમરના બ્રિજેશભાઇ ડોક્ટર તરીકે ખૂબ જ હોંશિયાર છે. હું એમની પાસે મારી ટ્રીટમેન્ટ કરાવું છું. એમની દવાથી મને ઘણી રાહત છે. મારું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમની આપેલી દવાઓથી કાયમ નોર્મલ રહે છે." ધીરજભાઇ ચાલતા-ચાલતા હરમનને ડો. બ્રિજેશભાઇ વિશે માહિતી આપી રહ્યા હતાં. પરંતુ હરમનનું મગજ બિસ્કીટવાળા ફેરિયામાં અટવાયેલું હતું એટલે એણે ધીરજભાઇની આખી વાત બરાબર સાંભળી નહિ.