આવી રીતે સારા મોળા સુખ દુઃખના દિવસો ગીરમાં પસાર થવા લાગ્યા. પાંચ છ ચોમાસા અનરાધાર વરસી ગયા. એટલા જ ઉનાળાએ તાપ વરસાવ્યો. ને એટલા ને એટલા શિયાળે શીળી ઠંડી આવીને ગઈ. હિરણ નદીના કાંઠા ઘણા આગળ સુધી ધોવાયા, ને કાંઠે ઉભેલા ઝાડવા તેમાં તણાયા. કેટલાય ઝાડ પર ઉધી(ઉધઈ) ચડી ગઈ. અને વર્ષોથી ઉભેલા થડિયાને પોલા કરી પોતાના રાફડામાં સમાવી લીધા. કૈંક સાવજો અને સિંહણો ઘરડા થઇ ગયા. ને કેટલાય ગઢપણને શરણે થઈ મૃત્યુને ભેટ્યાં.કોઈ કોઈ સાવજ શિકારીના કાળા હાથે હણાયા. કેટલાંય સાવજો પોતાનો વિસ્તાર સાચવી રાખવામાં ઝગડી મર્યા. તો કેટલાય પોતાનો વિસ્તાર છોડી બહાર નીકળી ગયા. નાના પાઠડા હતા તેના