પ્રાયશ્ચિત પ્રકરણ 43સાડા બાર વાગે સિક્યુરિટી ચેકિંગ ચાલુ થઈ જતું હતું એટલે મોડામાં મોડા બાર વાગ્યા સુધીમાં તો ઘરેથી નીકળી જવાનું હતું. અગાઉથી સૂચના આપી હતી એટલે આજે દક્ષાબેન સવારે વહેલાં આવી ગયાં હતાં અને ૧૧ વાગ્યે તો તમામ રસોઈ થઈ ગઈ હતી. દાળ ભાત ભીંડાનું શાક રોટલી અને સોજીનો શીરો આજની થાળી હતી. બાર વાગે બંને ગાડીઓમાં આખો પરિવાર એરપોર્ટ જવા માટે નીકળી ગયો. કેતને મનસુખ માલવિયાને વાન સાથે બોલાવી લીધો હતો. એરપોર્ટ પહોંચીને કેતને જામનગર આવવા બદલ પરિવારનો આભાર માન્યો. બધાંની આંખો ભીની હતી. " તારા કરતાં અહીં આવવાનો આનંદ અમને બધાંને વધારે આવ્યો. ખરેખર માતાજીનું કાર્ય બહુ સરસ રીતે પતી ગયું.