મોજીસ્તાન (43) ડો.લાભુ રામાણીએ કારણવગર ઈન્જેકશન આપી દીધું પછી તભાભાભા વધુ ગુસ્સે ભરાયા હતા.પણ શુંકામ તેમને ગુસ્સો આવી રહ્યો હતો એ સમજાતું નહોતું.અને કોની ઉપર ગુસ્સો કાઢવો એ પણ સમજાતું નહોતું. એમના આરોગ્યની ચિંતા કરીને બાબાએ અને ગોરાણીએ એમને પરાણે દવાની ગોળીઓ ગIળાવી હતી. તખુભાને શ્રાપ આપ્યા પછી હવે એમની ડેલીએ જવાય તેમ નહોતું.હમણાંથી ગામમાં કોઈએ કથા પણ કરી નહોતી.હવે કોક કથા કરાવે તો એમનો ગુસ્સો ઉતરે એમ હતું પણ કથા કરાવવાનું સામેથી કહેવું પણ કોને ? હતાશ થયેલા ગોર સાંજના સમયે ધોતિયાનો એક છેડો હાથમાં પકડીને લટાર મારવા નીકળ્યા હતા.કોક તો ચા પીવા બોલાવશે જ એની એમને ખાતરી હતી.