કનક અજાણ્યા લોકો સાથે ડરેલી બેઠી હતી. આખા રસ્તામાં કોઈજ કાંઈ ન બોલ્યું. પૂર ઝડપે ગાડી શહેર તરફ ભાગી રહી હતી. અધીરાજના માનસપટલ પર કનકને ગાડીમાંથી ક્યાંક જંગલમાં ફેંકી દેવાના વિચારો ઘૂમતા હતા. પણ એવું ન કરી શકવાની મજબુરીના લીધે ખૂબજ ગુસ્સામાં ગાડી ચલાવતો હતો. થોડીજ વારમાં અધીરાજ મલ્હોત્રાનું ઘર આવી ગયું. તેનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. દિવાલ પર મલ્હોત્રા'ઝ વીલા નામની કાચની નંબર પ્લેટ લાગેલી હતી. ગેટ પાસે ગાડી ઉભી રહી ત્યાંજ બે ગાર્ડએ દરવાજો વચ્ચેથી બંને બાજુ ખોલ્યો. રસ્તાની બંને બાજુ મોટું ગાર્ડન હતું. ગાડી આગળ વધી. ઘરની સાઈડમાં ગાડી ઉભી રાખી બધા નીચે ઉતર્યા.