પોતાની બુક્સ, પોતે હાથે બનાવેલું વૉલ હેગિંગ, જાતે ભરેલાં ટેબલ ક્લોથ, પેઈન્ટ કરેલી ચાદર વગેરે તરફ પ્રિયા નજર ફેરવતી ગઈ. જુની મધુર યાદોનાં ઝરૂખામાં પ્રિયા સમાતી જઈ રહી હતી. ને અચાનક જ માયાભાભીની બૂમ કાને અથડાઈ એટલે ભૂતકાળમાં સરી ગયેલી પ્રિયાનું ધ્યાન તૂટ્યું."હા......ભાભી......""ચાલો.....જમવા....તમારાં ભાઈ આવી ગયાં છે.....""આવી......ભાભી......."ત્રણેય સાથે જમવા માટે બેઠા. પહેલાંની જેમ જ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ગયાં. જમતાં-જમતાં પ્રિયાનાં મનમાં વિચાર આવ્યો....'અહીં કેવું પોતાપણું લાગી રહ્યું છે, ખબર નહિ કેમ ત્યાં આવી રીતનું પોતાપણું નથી લાગી રહ્યું..અહીંયા દરેકે દરેક કોળિયામાં આનંદની અનુભૂતિ મળી રહી છે ને ત્યાં કોળિયો ખાતી વખતે અજીબ પ્રકારની મનમાં અશાંતિ અનુભવાતી હોય છે.