ચેપ્ટર - 29 દિવાલ પાસે જઇને રેશ્માએ દિવાલ પર હાથ મુક્યો. દિવાલના સ્પર્શથી એના શરીરમાં એક ઝણઝણાટી ઉપડી ગઇ. આ દિવાલની બીજી તરફ એની બિમારીનો ઇલાજ છે. દિવાલ પર બે હજાર વર્ષ સુધી બધા જ મૌસમની થપાટો લાગી હતી. પણ છતાંય એ અડીખમ ઉભી હતી. પીળા રંગના વિશાળ લંબચોરસ પથ્થરો પર શેવાળ અને વેલાઓ ઉગી નીકળ્યા હતા. એમને હટાવીને એ લોકોએ જોયું કે ત્યાં કેટલાક નિશાનો હતા. જાણે દિવાલ પર કંઇક મારવામાં આવ્યું હોય. "જરૂર આ પોર્ટુગીઝોએ દિવાલ તોડવાના પ્રયાસો કર્યા હશે. આ એના જ નિશાન છે." વિક્રમે કહ્યું.