સાઈઠ “એટલે તેં એ લોકોને ક્યાં જોયા?” સોનલબાએ પ્રશ્ન પૂછ્યો. “તમારી કોલેજથી થોડે દૂર પેલો સ્પોર્ટ્સ સ્ટોર છે ને? બસ એની સામે ત્રણ માળનું બિલ્ડીંગ છે એના સેકન્ડ ફ્લોર પર.” વરુણનો ચહેરો ચિંતા દર્શાવી રહ્યો હતો. “મને નથી લાગતું કે એવું કશું હોય જેવું તું વિચારી રહ્યો છે ભઈલા.” સોનલબા બોલ્યાં. “તમે આટલા બધા વિશ્વાસ સાથે કેમ કહી શકો છો?” હવે પ્રશ્ન પૂછવાનો વારો વરુણનો હતો. “મારું મન કહે છે. એ માનવા માટે તૈયાર જ નથી કે મેડમ સાથે જે વ્યક્તિને તે જોયો એમની સાથે એમનો કોઈ એવો સબંધ છે જે તું વિચારી રહ્યો છે.” સોનલબાના અવાજમાં વિશ્વાસ હતો.