ગુલામ – 13 લેખક – મેર મેહુલ ( બિનસચિવાલયની તૈયારી – 2 ) ઓગસ્ટ, 2019 “પરીક્ષાની તારીખ આવી ગઈ અલા !” અભય રૂમમાં પ્રવેશ્યો એટલે ઉદયે સમાચાર આપ્યાં, “20, ઓક્ટોબરે પરીક્ષા છે” “મતલબ હજી બે મહિનાની વાર છે” અભયે બેગ નીચે રાખતાં કહ્યું. “હજી બે મહિનાની નહિ, ખાલી બે મહિનાની જ વાર છે” ઉદયે ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું, “તને નથી લાગતું આપણે કંઈ વાંચતા જ નથી !!!” “થઈ જશે ભાઈ” સૌરભે કહ્યું, “આટલી બધી ચિંતા કેમ કરે છે ?” “ચિંતા તો થાય જ ને, બાપાએ ચાર મહિના વાંચવા માટે આપ્યા છે અને આપણે બે મહિનાથી વાતુના વડા સિવાય કંઈ નથી કરતાં”