એકાવન પ્રોફેસર શિંગાળાની જાહેરાત બાદ તમામની નજર નિર્મલ પાંડે પર ગઈ, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે નિર્મલ પાંડે તેના સ્વભાવ વિરુદ્ધ ગુસ્સે થઈને રીએક્ટ કરવાને બદલે સ્મિત ફરકાવતો ઉભો હતો. “નિર્મલ પ્લેયિંગ ઇલેવનમાં નથી પરંતુ તે ટીમનો ભાગ તો છે જ અને આવતીકાલની મેચમાં એ બારમાં ખેલાડી તરીકે રમશે.” વરુણે જાહેરાત કરી. નિર્મલે વરુણની જાહેરાત સાંભળીને પોતાનું ડોકું હકારમાં હલાવ્યું. “તો આપણે બધાં મળીએ છીએ કાલે સવારે સાડા સાત વાગ્યે શાર્પ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર. ફાઈનલ સાડા નવ વાગ્યે શરુ થશે એટલે એક કલાક પ્રેક્ટીસ કરીશું અને પછી કૂલ ડાઉન કરીશું. અત્યારે બધાં એકબીજા સાથે વાતો કર્યા વગર પોતપોતાના ઘરે જાવ.”