મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૮ નીનીની વાતોએ શ્વેતાને રસ તરબોળ કરી મૂકી. આવી વાતો તે વળી કોણે કહે ? અંગત સખી પાસે જ થાયને ? એ સમયે તો શ્વેતા પણ એ વાતોમાં ભીંજાઈ ગઈ. નીની શું કહેતી હતી ? તેનો ચહેરો પ્રસન્નતાથી ભરપૂર હતો. ‘શ્વેતાડી....શું કહું તને ? આ અનુભવો તો.....’ શ્વેતા પણ ધબકવા લાગી હતી. ફોટાઓ જોયા. વિકાસ પણ સરસ લાગ્યો. અનાયસે.......નીનીના ચહેરા સાથે માનસીના ચહેરાની તુલના થઈ ગઈ. અને મેધ પણ ઊભો રહી ગયો, સાવ અડોઅડ- આ મસ્ત પુરુષ સાથે. કશું હતું જ એ લોકોને ? શ્વેતા નિષ્કર્ષ પર આવી હતી. પોતાનો વિચાર પણ આવ્યો જ હતો.