ઓગણીસ વરુણ અને ઇશાની એક તરફ બેઠા જ્યારે કૃણાલ ટેબલની બીજી તરફ બેઠો. જે જગ્યાએ વરુણ બેઠો હતો તેની જમણી તરફના સીધા જ ખૂણે સુંદરી બેઠી હતી જ્યારે અરુણાબેનની પીઠ વરુણ સામે હતી. ફ્લોર મેનેજર વરુણ અને કૃણાલને મેન્યુ પકડાવી ગયો. વરુણ અને ઈશાની એક જ મેન્યુમાંથી પોતાની મનપસંદ ડીશીઝ શોધવા લાગ્યા જ્યારે કૃણાલ પોતાની રીતે. “ભાઈ, હું તો ઢોંસો જ ખાઈશ.” ઈશાનીએ મેન્યુનું વધારે નિરીક્ષણ કર્યા વગર જ પોતાની પસંદગી કહી દીધી. “તું પણ શું કાયમ ઢોંસો, ઢોંસો અને ઢોંસો જ મંગાવે છે? અને એમાંય સાદો ઢોંસો, ક્યારેક તો કશું બીજું મંગાવ?” વરુણ ઈશાની સામે મોઢું બગાડીને બોલ્યો.