અંગારપથ. પ્રકરણ-૫૬. પ્રવીણ પીઠડીયા. “માયગોડ…” લોબોને જબરજસ્ત કરંટ લાગ્યો હોય એમ તે ઉછળી પડયો. ’જૂલી…’ આ શબ્દ તેની નજરો સામે નાંચતો હતો. વાગાતોર બીચ ઉપર જવા માટે તેણે બોટની વ્યવસ્થા કરવાની હતી કારણકે કોસ્ટગાર્ડની બધી જ બોટો કોઈક મોકડ્રિલમાં રોકાયેલી હતી. એ સમયે તેણે તેના મિત્રની બોટ લઈ જવાનું નક્કી કર્યું હતું અને એ બોટ મેળવવા તે ડક્કા ઉપર ગયો હતો. એ સમયે સાવ અનાયાસે આ નામ તેણે વાંચ્યું હતું, બરાબર ચોકસાઈથી વાંચ્યું હતું. ’યસ્સ…’ તેણે એ બાબતે પેલા વીલીને પૃચ્છા પણ કરી હતી. જો એ વાતનું અનુસંધાન અભિમન્યુની જૂલી સાથે જોડાતું હોય તો..! એ ઘણી ગંભીર વાત હતી.